બેંગલુરુ ટેસ્ટ બીજો દિવસઃ ભારતના 474 રન સામે અફઘાનિસ્તાન 109 રનમાં ઓલઆઉટ

બેંગલુરુ: આર. અશ્વિનની શાનદાર બોલિંગ સામે અફઘાનિસ્તાનની ટીમ 109 રનમાં ઓલઆઉટ થઇ ગઇ છે. અશ્વિને ચાર વિકેટ ઝડપી છે. ભારતે અફઘાનિસ્તાનને ફોલોઓન કર્યું છે. બેંગલુરૂમાં ચાલી રહેલી ટેસ્ટમાં ભારતે કરેલા 474 રનના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ 27.5 ઓવરમાં 109 રનમાં ઓલઆઉટ થઇ ગઇ છે. અફઘાનિસ્તાનની ટીમ હજી પણ 365 રન પાછળ છે.

અફઘાનિસ્તાન વિરુદ્ધની ઐતિહાસિક ટેસ્ટમેચના બીજા દિવસ-શુક્રવારે આ લખાઇ રહ્યું છે ત્યારે ભારત ૪૭૪ રને ઓલઆઉટ થયું હતું. ઇશાંત શર્મા છેલ્લે ૮ રને આઉટ થયો હતો અને ઉમેશ યાદવ નોટઆઉટ રહ્યો હતો. અત્યાર સુધી ભારતે ૧૦ર ઓવર રમી છે.

હાર્દિક પંડ્યાનું ટેસ્ટમાં ત્રીજું અર્ધ શતક થયું છે. હાર્દિક પંડ્યા ૭૧ રને વફાદારની બોલિંગમાં અફસરના હાથે કેચઆઉટ થયો હતો. આ અગાઉ ‌અશ્વિનની આજે પ્રથમ વિકેટ પડી હતી. તે ૧૮ રનના અંગત સ્કોર પર યામીન અહમદ જઇના બોલમાં અફસર ઝાઝાઇના હાથે કેચઆઉટ થયો હતો.

તેણે હાર્દિક પંડ્યા સાથે મળીને સાતમી ‌વિકેટની ભાગીદારીમાં ૩પ રન ઉમેર્યા હતા. ત્યાર બાદ રવીન્દ્ર જાડેજા ર૦ના અંગત સ્કોર પર મોહંમદ નબીનો શિકાર બન્યો હતો. લોંગ ઓફ બાઉન્ડરી પર રહમત શાહના હાથે તે કેચઆઉટ થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે બેંગલુરુના ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં ગઇ કાલથી શરૂ થયેલી આ મેચમાં અફઘાનિસ્તાને ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ વાર પદાર્પણ કર્યું છે.

આ અગાઉ વરસાદના વિઘ્નવાળા ગુરુવારના પહેલા દિવસે ભારતનો હાથ ઉપર રહ્યો હતો. દિવસની નિર્ધારિત ૯૦ ઓવરના બદલે ૭૮ ઓવરની રમત જ રમાઇ હતી. ભારતે રમતના અંત સુધીમાં ૬ વિકેટે ૩૪૭ રન બનાવ્યા હતા. ઓપનિંગ બેટ્સમેનો શિખર ધવન (૧૦૭ રન) અને મુરલી વિજય (૧૦૫ રન)ની સદી સાથે સારી શરૂઆત કરી હતી. બન્ને વચ્ચે ફક્ત ૨૮.૪ ઓવરમાં ૧૬૮ રનની ભાગીદારી થઈ હતી.

વિજય અને લોકેશ રાહુલ (૫૪ રન) વચ્ચે પણ બીજી વિકેટ માટે ૧૧૨ રનની ભાગીદારી થઈ હતી, પરંતુ ત્યાર પછી એકેય મોટી પાર્ટનરશિપ નહોતી થઈ. મિડલઓર્ડરના બેટ્સમેનોએ ઓપનરોએ તૈયાર કરેલા મજબૂત પાયા પાણી ફેરવી નાખ્યું હતું.

ભારતે છેલ્લી ચાર વિકેટ માત્ર ૬૩ રનમાં ગુમાવી દીધી હતી, જેમાં લોકેશ રાહુલ, કેપ્ટન અજિંક્ય રહાણે, ચેતેશ્વર પુજારા અને દિનેશ કાર્તિકનો સમાવેશ હતો. રમત બંધ રહી ત્યારે હાર્દિક પંડ્યા ૧૦ અને રવિચન્દ્રન અશ્વિન ૭ રને નોટઆઉટ હતા.

You might also like