દરેક મુશ્કેલ સમયમાં માહી વિરાટની મદદ કરતો રહે છે

કાનપુરઃ હંમેશાં એવું સાંભળવામાં આવે છે કે વચન તો તોડવા માટે જ અપાય છે, પરંતુ આ કહેવાત મહેન્દ્રસિંહ ધોની માટે સાચી નથી. ટી-૨૦ અને વન ડે ટીમની કેપ્ટનશિપ છોડ્યા બાદ ધોનીએ કહ્યું હતું કે તે નવા કેપ્ટન વિરાટ કોહલી માટે જરૂર પડ્યો હંમેશાં ઉપલબ્ધ રહેશે અને બિનસત્તાવાર રીતે ટીમમાં વાઇસ કે્ટનની ભૂમિકામાં રહેશે. ત્યાર બાદ મહેન્દ્રસિંહ ધોની ત્રણ વન ડે અને બે ટી-૨૦ મેચ રમ્યો છે અને દરેક મેચમાં પોતાનું વચન અને એક સલાહકારની ભૂમિકા તેણે નિભાવી છે. નાગપુર ટી-૨૦ મેચ પણ જ્યારે ટીમ ઇન્ડિયા માટે કરો યા મરોની સ્થિતિમાં હતી ત્યારે ધોની નવા કેપ્ટન વિરાટ કોહલી સાથે લાંબી ચર્ચા કરતો જોવા મળ્યો હતો.

ઈંગ્લેન્ડને અંતિમ બે ઓવરમાં જીત માટે ૨૪ રનની જરૂર હતી ત્યારે વિરાટે લોન્ગ ઓન બાઉન્ડ્રી પર ફિલ્ડર તહેનાત કરવાનો નિર્ણય લીધો, પરંતુ મહેન્દ્રસિંહ ધોનીએ કોહલીના નિર્ણયને પલટી નાખ્યો અને વિરાટને બોલાવીને બોલર આશિષ નેહરા સાથે લાંબી વાતચીત કરી. ત્યાર બાદ વિરાટે માહીની સલાહ મુજબ આશિષ નેહરા માટે ફિલ્ડિંગ ગોઠવી. જ્યારે આશિષ નેહરાએ ૧૯મી ઓવરમાં ૧૬ રન આપી દીધા અને ઈંગ્લેન્ડને જીત માટે અંતિમ ઓવરમાં ફક્ત આઠ રનની જરૂર હતી ત્યારે ધોનીએ ખુદ ફિલ્ડિંગ ગોઠવી. આ દરમિયાન લોન્ગ ઓન બાઉન્ડ્રી પર તહેનત કેપ્ટન વિરાટ કોહલી સતત ધોની સાથે વાત કરતો રહ્યો.

ઉલ્લેખનીય છે કે જ્યારે વિરાટને કેપ્ટન બનાવવામાં આવ્યો ત્યારે વિરાટે ખુદ કહ્યું હતું કે ધોની હંમેશાં તેનો કેપ્ટન રહેશે અને વન ડે તેમજ ટી-૨૦ મુકાબલામાં તે ધોનીની સલાહ પ્રમાણે જ મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેશે. કોહલીએ ધોનીની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ધોનીની સલાહથી હંમેશાં ફર્ક પડે છે અને ટીમની જીતની તકો સર્જાય છે. આ અગાઉ પણ કોહલીએ ડીઆરએસ મામલામાં ધોનીની ક્રિકેટિંગ સેન્સ અને કેલ્ક્યુલેશનની પ્રશંસા કરી હતી.
http://sambhaavnews.com/

You might also like