વિયેટનામમાં મોદી છવાયાઃ બંને દેશ વચ્ચે ૧ર કરાર પર હસ્તાક્ષર

હનોઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વિયેટનામના પાટનગર હનોઈમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મોદીએ વિયેટનામના વડા પ્રધાનની મુલાકાત લીધી હતી. ત્યારે આજે વિયેટનામ અને ભારત વચ્ચે મહત્વના ૧ર કરાર પર હસ્તાક્ષર થયા હતા. મોદી તેમના વિયેટનામના પ્રવાસ બાદ ચીનની મુલાકાતે જવા રવાના થશે. અને ત્યાં તેઓ ચાર અને પાંચ સપ્ટેમ્બરે યોજાનારી જી-20 સમિટમાં ભાગ લેશે.

મોદીએ વિયેટનામના પ્રવાસમાં તેમના શેડયૂલ હેઠળ સૌથી પહેલા શહીદ જવાનોનાં સ્મારક સ્થળ પર જઈને શ્રદ્ધા સુમન અર્પણ કર્યાં હતાં. ત્યારબાદ વિયેટનામના રાષ્ટ્રપતિ ભવનમાં મોદીનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં વિયેટનામના વડા પ્રધાન ગુયેન જુઆન ફુક અને મોદી વચ્ચે અનેક મુદા પર ચર્ચા થઈ હતી. સૂત્રોનાં જણાવ્યા અનુસાર બંને દેશ વચ્ચે ૧ર કરાર પર હસ્તાક્ષર થયા હતા. આ સમજૂતી સંરક્ષણ, આરોગ્ય અને સ્પેસ સાથે સંકળાયેલી છે. મોદીએ વિયેટનામને સંરક્ષણ માટે ૫૦ કરોડ ડોલર એટલે કે રૂ.૩૩૨૮ કરોડ આપવાની જાહેરાત કરી હતી.

વિવિધ સમજૂતીનું મહત્વ
વડા પ્રધાન મોદીના વિયેટનામના પ્રવાસમાં બંને દેશ વચ્ચે અનેક મહત્વની સમજૂતી થઈ છે. જેમાં સૌથી પ્રથમ વિયેટનામને બ્રહ્મોસ મિસાઈલ આપવાની બાબત છે. ભારતના આવા નિર્ણયથી ભારતને ચીનની નારાજગીનો ભોગ બનવું પડ્યું છે. બંને દેશ વચ્ચે સંરક્ષણ, આરોગ્ય અને સ્પેસને લગતી તેમજ અર્થતંત્રને લગતી અનેક સમજૂતી પર કરાર થયા હતા. જેમાં વિયેટનામના સ્પેસ સેકટર અને હાઈડ્રોકાર્બન બ્લોકમાં પણ ભારત રોકાણ કરે તેવી શક્યતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારત અને વિયેટનામની વચ્ચે હાલ 7400 કરોડનો કારોબાર ચાલે છે. જે વર્ષ 2020 સુધીમાં 10000 કરોડ સુધી લઈ જવાનો ટાર્ગેટ છે. ભારત અને વિયેટનામ વચ્ચે વેપાર ક્ષેત્રે ભાગીદારી મહત્વનું પરિબળ છે.અને તેથી ભારત અને વિયેટનામ તેમના સંબંધો વધુ મજબૂત બનાવવાની દિશામાં આગળ વધશે.

You might also like