ભારત અંતિમ દિવસે બે ગોલ્ડ સાથે આઠ મેડલ જીતી બીજા સ્થાને રહ્યું

નવી દિલ્હીઃ ભારતે ગઈ કાલે ઇન્દિરા ગાંધી ખેલ પરિસર વેલોડ્રોમમાં બીજા સ્થાન સાથે ટ્રેક એશિયા કપમાં પોતાના અભિયાનનું સમાપન કર્યું. ભારતે ટૂર્નામેન્ટના અંતિમ દિવસે બે ગોલ્ડ, બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ સહિત કુલ આઠ મેડલ જીત્યા. ભારત પાંચ ગોલ્ડ, ચાર સિલ્વર અને સાત બ્રોન્ઝ મેડલ સાથે કુલ ૧૬ મેડલ જીતવામાં સફળ રહ્યું. હોંગકોંગે ૧૧ ગોલ્ડ, ચાર સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ સહિત કુલ ૧૮ મેડલ જીતીને ટોચનું સ્થાન હાંસલ કર્યું.

ભારતના કોચ આર. કે. શર્માએ કહ્યું, ”હું ટ્રેક એશિયા કપમાં મારા સાઇકલિસ્ટોના પ્રદર્શનથી ખુશ છું. ખાસ કરીને જુનિયર સાઇકલિસ્ટથી, જેમણે ટૂર્નામેન્ટમાં સુંદર પ્રદર્શન કર્યું. હું ખુશ છું કે આ ટૂર્નામેન્ટથી ૨૦૧૭માં એશિયન ટ્રેક સાઇકલિંગ ચેમ્પિયનશિપને ધ્યાનમાં રાખતા બધા સાઇકલિસ્ટોને કંઈક શીખવાનું મળશે.”

ભારતીય મહિલા સાઇકલિસ્ટ દેબોરાએ હેરાલ્ડ ફાઇનલ સ્પ્રિંગ સ્પર્ધામાં ૧૨.૫૭૬ સેકન્ડના સમય સાથે ટોચનું સ્થાન હાંસલ કર્યું. તેણે પહેલા અને બીજા રાઉન્ડમાં ૧૨.૪૯૩નો સમય લીધો હતો. તેણે બંને રાઉન્ડમાં હોંગકોંગની ઝોઓ જુઆન (૧૨.૮૨૦ અને ૧૨.૭૩૪)ને માત આપી હતી. મલેશિયાની ફરીના શવાતિ (૧૨.૫૫૨ અને ૧૨.૩૪૨) ત્રીજા સ્થાને રહી હતી. ભારતની અન્ય સાઇકલિસ્ટ કેજિયા વર્ગીસ બ્રોન્ઝ મેડલ ચૂકી ગઈ હતી અને ચોથા સ્થાન પર રહી હતી.

જોકે દેબોરા પોતાની પસંદગીની સ્પર્ધા કેરિનમાં ગોલ્ડ મેડલ જીતવાથી ચૂકી ગઈ અને તેણે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. તેની સાથી કેજિયા વર્ગીસે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ૨૧ વર્ષીય દેબોરાએ ત્રણ ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીત્યો. દેબોરાએ કહ્યું, ”હું દુર્ભાગ્યશાળી રહી કે મેં કેરિનમાં આસાનીથી ગોલ્ડ મેડલ ગુમાવી દીધો. હું મારું ધ્યાન કેન્દ્રિત કરી શકી નહીં. હું ૨૦૧૭ની એશિયન ટ્રેક સાઇકલિંગ ચેમ્પિયનશિપમાં સારું પ્રદર્શન કરીશ.”

You might also like