વેસ્ટ ઇન્ડીઝ સામે વિરાટ કોહલીને લોટરી લાગી

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા માટે વેસ્ટ ઇન્ડીઝથી આવેલા એક સમાચારથી વિરાટ કોહલી ખુશ ખુશ થઈ ગયો છે. વેસ્ટ ઇન્ડીઝે ભારત વિરુદ્ધ ટેસ્ટ ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમની જાહેરાતની સાથે જ વિરાટની જીતની આશા ડબલ થઈ ગઈ છે. જ્યારે દુશ્મન ખુદ નબળો હોય તો જીતની આશાઓ એમ જ વધી જતી હોય છે અને કંઈક એવું જ બન્યું છે ટીમ ઇન્ડિયા સાથે. ચાર ટેસ્ટની શ્રેણી માટે વિન્ડીઝની ટીમની જાહેરાત થતાં જ જાણે કે ટીમ ઇન્ડિયાને કીમતી ભેટ મળી ગઈ છે.

દિગ્ગજોને સ્થાન નહીં
ના ક્રિસ ગેલ, ના સુનીલ નરૈન, ના જેરોમ ટેલર અને ના તો સુલેમાન બેન. વેસ્ટ ઇન્ડીઝની ૧૨ ખેલાડીઓની ટીમમાં દિગ્ગજ ખેલાડીઓની જબરદસ્ત ઊણપ છે. ટીમમાં પાંચ ખેલાડી એવા છે, જેઓ પાંચ ટેસ્ટ પણ રમ્યા નથી. વિન્ડીઝની ટીમમાં ફક્ત એક સ્પેશિયાલિસ્ટ ફાસ્ટ બોલર છે શેનન ગેબ્રિયલ, જ્યારે દેવેન્દ્ર બિશુ એકમાત્ર સ્પિનર છે, જેને ટીમમાં સ્થાન મળ્યું છે. ટીમ ઇન્ડિયા સામે પ્રેક્ટિસ મેચમાં સદી ફટકારનારા શાય હોપને પણ ટીમમાંથી હાંકી કઢાયો છે. આ ટીમમાં ફક્ત જેસન હોલ્ડર, ડેરેન બ્રાવો, માર્લોન સેમ્યુઅલ્સ, ક્રેગ બ્રેથવેટ એવા ખેલાડી છે, જેને ટેસ્ટ ક્રિકેટનો થોડો ઘણો અનુભવ છે.

ઘરઆંગણે નબળી ટીમ
વેસ્ટ ઇન્ડીઝની ટીમને ઘરઆંગણે પણ હારનો સામનો કરવો પડી રહ્યો છે. વિન્ડીઝે પોતાની ધરતી પર પાછલી ચારમાંથી બે ટેસ્ટ શ્રેણી ગુમાવવી પડી છે. એકમાં જીત મળી, જ્યારે એક શ્રેણી ડ્રો રહી. ટીમ ઇન્ડિયાની પહેલાં ઓસ્ટ્રેલિયાએ વિન્ડીઝને બે ટેસ્ટની શ્રેણીમાં ૨-૦થી હરાવ્યું. એ પહેલાં ઈંગ્લેન્ડે વિન્ડીઝની ધરતી પર ત્રણ ટેસ્ટની શ્રેણી ૧-૧થી ડ્રો કરી.

વિન્ડીઝે બાંગ્લાદેશ સામે ટેસ્ટ શ્રેણી જીતી, પરંતુ એ પહેલાં ન્યૂઝીલેન્ડે વિન્ડીઝને ત્રણ ટેસ્ટની શ્રેણીમાં ૨-૧થી માત આપી હતી. સ્પષ્ટ છે કે ટી-૨૦ની વર્લ્ડ ચેમ્પિયન ટીમ ટેસ્ટમાં સાવ વામણી સાબિત થઈ રહી છે. એ જ કારણ છે કે વેસ્ટ ઇન્ડીઝ ટેસ્ટ રેન્કિંગમાં આઠમા નંબર પર છે, જ્યારે ટીમ ઇન્ડિયા હાલ બીજા નંબર પર છે.

બંને ટીમ વચ્ચે જાણે કે કોઈ મુકાબલો જ નથી. ટીમ ઇન્ડિયાએ વિન્ડીઝમાં પાછલી બંને ટેસ્ટ શ્રેણી પોતાના નામે કરી છે એટલું જ નહીં, ૧૪ વર્ષમાં ટીમ ઇન્ડિયા વેસ્ટ ઇન્ડીઝની ધરતી પર એક પણ મેચ નથી હારી. હવે રેકોર્ડને વધુ સારો બનાવવાનું શ્રેય વિરાટ કોહલીને મળશે એ નક્કી છે. ટીમ તો વેસ્ટ ઇન્ડીઝની જાહેર થઈ છે, પરંતુ લોટરી તો વિરાટ કોહલીને જ લાગી છે.

You might also like