મોદી સરકાર હવે ત્રણ લાખ યુવાનોને ઓન જોબ ટ્રેનિંગ માટે જાપાન મોકલશે

નવી દિલ્હી: ભારત હવે ત્રણ લાખ યુવાનોને ટ્રેનિંગ માટે જાપાન મોકલશે. કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ ત્રણ લાખ યુવાનોને જાપાન ત્રણથી પાંચ વર્ષ માટે ઓનલાઇન જોબ ટ્રેનિંગ માટે મોકલવામાં આવશે. ભારતીય ટેકનિકલ ઇન્ટર્ન્સની આ સ્કીલ ટ્રેનિંગ પાછળ થનાર ખર્ચને જાપાન વહન કરશે.

કૌશલ્ય વિકાસ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે કેન્દ્રીય કેબિનેટે ભારત-જાપાન વચ્ચે ટેકનિકલ ઇન્ટર્ન્સ ટ્રેનિંગ પ્રોગ્રામ (ટીઆઇટીપી)ને લઇને થનારા એમઓયુને મંજૂરી આપી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે તેમના આગામી જાપાન પ્રવાસ દરમિયાન આ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવશે.

પ્રધાનની ટોકિયોની ત્રણ દિવસની યાત્રા ૧૬ ઓકટોબરથી શરૂ થનાર છે. પ્રધાને ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ટીઆઇટીપી એક મહત્ત્વાકાંક્ષી પ્રોજેકટ છે. જે હેઠળ ત્રણ લાખ ભારતીય ટેકનિકલ ઇન્ટર્ન્સને ત્રણથી પાંચ વર્ષ માટે ઓનલાઇન જોબ ટ્રેનિંગ માટે મોકલવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે આગામી ત્રણ વર્ષમાં આ યુવાનોને જાપાનના નાણાકીય સહયોગ હેઠળ ટ્રેનિંગ માટે મોકલવામાં આવશે. ધર્મેન્દ્ર પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે ત્યાં જનારા પ્રત્યેક યુવાનનો કાર્યકાળ ત્રણથી પાંચ વર્ષનો હશે. આ યુવાનો જાપાની માહોલમાં કામ કરશે અને ત્યાં તેમને રહેવા-જમવાની સુવિધા સાથે રોજગારી પણ સુવિધા મળશે. પ૦,૦૦૦ યુવાનોને જાપાનમાં નોકરીની પણ તકો મળશે. જાપાનની જરૂરિયાત મુજબ આ યુવાનોની પસંદગી પારદર્શી રીતે કરવામાં આવશે.

You might also like