અમેરિકાનાં દબાણની ઐસી કી તૈસીઃ રશિયા સાથે એસ-400 મિસાઇલ ડીલ થઇને જ રહેશે

નવી દિલ્હી: અમેરિકાનાં દબાણની ઐસી કી તૈસી કરીને ભારત રશિયા સાથે રૂ.૩૯,૦૦૦ કરોડની એડવાન્સ્ડ એસ.૪૦૦ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ ડીલ પર આગળ વધશે. અમેરિકાનું દબાણ હોવા છતાં ભારત પીછેહઠ કરશે. નહીં. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમને આ વાત સ્પષ્ટ કરી દીધી છે કે ભારત-રશિયા વચ્ચે એસ-૪૦૦ મિસાઇલનો સોદો ચોક્કસ થશે.

સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમને એક પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષથી એસ-૪૦૦ મિસાઇલ સિસ્ટમ ખરીદવા અંગે રશિયા સાથે વાતચીત ચાલી રહી છે અને હવે વાત નિર્ણય લેવા પર આવી ગઇ છે. અમેરિકાના પ્રતિબંધ સીએએટીએસએ (કાઉન્ટરિંગ અમેરિકા એડવાઇઝરી થ્રુ સેન્કશન એકટ) લગાવવામાં આવ્યા પહેલાં આ વાત ઘણી આગળ વધી ગઇ હતી.

સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમને જણાવ્યું હતું હું તેને અમરિકા અને રશિયામાંથી કોઇ એકને પસંદ કરવાની રીતે જોઇ રહી નથી. અમેરિકન ડેલિગેશનને જણાવ્યું છે કે અમે રશિયા સાથે નિયમિત સંપર્ક અને સંબંધ ધરાવીએ છીએ. તેમાં સંરક્ષણે લગતા સોદાનો પણ સમાવેશ થશેે.

અમેરિકાએ તાજેતરમાં સીએએટીએસએ નામનો એક કાયદો પસાર કર્યો છે. આ કાયદાની જોગવાઇ હેઠળ રશિયા સાથે લશ્કરી સંબંધો ધરાવનાર દેશો પર પ્રતિબંધ મૂકવામાં આવશે, પરંતુ અમેરિકાની આ ધમકી પર ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે રશિયા સાથે એસ-૪૦૦ ડીલ થઇને જ રહેશે.

ઓકટોબર ર૦૧પમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે ભારત રશિયા સાથે એસ-૪૦૦ મિસાઇલ સિસ્ટમની ડીલ કરશે. આ મિસાઇલ સિસ્ટમ લડાયક વિભાગનો, જાસૂસી વિમાનો, મિસાઇલ અને ડ્રોનને તબાહ કરવા સક્ષમ છે. તેનાથી ૪૦૦ કિ.મી. દૂર અને ૩૦ કિ.મી. સુધીની ઊંચાઇએ કોઇ પણ મિસાઇલને નષ્ટ કરી શકાશે. સીએએટીએસએ લઇને સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમન અને વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ અને તેમના અમેરિકન સમકક્ષો સાથે વાતચીત થશે.

You might also like