એશિયન ચેમ્પિયન્સ હોકીમાં ભારતે ચીનને 9-0થી પછાડ્યું

કુઆંતન : મલેશિયામાં રમાઇ રહેલ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીમાં ભારતીય ટીમે ચીનને એકતરફી મેચમાં 9-0થી હરાવીને સેમીફાઇનલમાં પોતાનું સ્થાન મજબુત બનાવ્યું હતું. ટુર્નામેન્ટમાં ભારતની અત્યાર સુધી 4 મેચોમાં સૌથી વધારે 10 પોઇન્ટ રહ્યા છે. આ 4 મેચોમાં ભારતને 3માં જીત મળી છે. જ્યારે એક મેચ ડ્રો ગઇ હતી. બુધવારે ભારત અને મલેશિયા વચ્ચે સેમીફાઇનલ યોજાશે.

ચીનની વિરુદ્ધ સમગ્ર મેચમાં ભારતનો દબદબો રહ્યો હતો. ભારત માટે જસજીત, આકાશદીપ અને અફ્ફાન યૂસુફે બે બે ગોલ કર્યા હતા. જ્યારે લલિત ઉપાધ્યાય, નિક્કન અને રુપિંદર પાલે એક એક ગોલ કર્યા હતા. ભારત માટે સૌથી પહેલો ગોલ આકાશદીપે કર્યો હતો. પહેલા ક્વાર્ટરમાં ભારત 1-0થી આગળ રહ્યું હતું. જ્યારે યૂસુફે ભારત માટે બીજો ગોલ કર્યો હતો. થોડા જ સમયમાં જસજીતે ત્રીજી અને રુપિંદર પાલે ચોથો ગોલ કર્યો હતો. આ રીતે હાળ ટાઇમ સુધીમાં ભારતે 4-0થી ગોલ કર્યો હતો.

ભારત માટે ત્રીજી ક્વાર્ટર સૌથી શાનદાર રહ્યું હતું. આ ક્વાર્ટરમાં 4 ગોલ ફટકારવામાં આવ્યા. સૌથી પહેલા નિક્કને ગોલ કરીને ભારતના ગોલમાં વધારો કર્યો હતો. ત્યાર બાદ લલિત ઉપાધ્યાયે ભારત માટે છઠ્ઠો ગોલ કર્યો. આકાશદીપે સાતમો અને અફ્ફાન યૂસુફે આઠમો ગોલ ફટકાર્યો હતો. પહેલી ક્વાર્ટરની જેમ જ અંતિમ ક્વાર્ટરમાં પણ ભારતે એક ગોલ કર્યો. જસપ્રિત સિંહે ભારત માટે નવમો ગોલ કર્યો હતો. તેની પહેલા ભારતે પાકિસ્તાન 3-2થી હરાવ્યું હતું. ટુર્નામેન્ટમાં ભારતે ચીન ઉપરાંત જાપાનને પણ 10-2 જેટલા મોટા અંતરથી હાર આપી હતી.

You might also like