ભારતમાં સૌથી અમીર એક ટકા લોકો પાસે ૫૮.૪ ટકા સંપત્તિ

નવી દિલ્હી: એક અહેવાલ અનુસાર ભારતના સૌથી અમીર એવા એક ટકા વર્ગના લોકો ૫૮.૪ ટકા સંપત્તિ ધરાવતા હોવાનું બહાર આવ્યું છે અને તેમની સંપત્તિમાં સતત વધારો થઈ રહ્યો છે. રેટિંગ એજન્સી ક્રેડિટ સૂઈસ ગ્રૂપ એજીના જણાવ્યા અનુસાર ૨૦૧૪માં સૌથી અમીર એક ટકા લોકો પાસે ૪૯ ટકા સંપત્તિ હતી. જ્યારે ૨૦૧૫માં તેમની પાસે ૫૩ ટકા સંપત્તિ હોવાનું બહાર આવ્યું હતું.

અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે દેશના સૌથી અમીર દસ ટકા લોકોની વાત કરીએ તો તેમની સંપત્તિ ૨૦૧૦ના ૬૮.૮ ટકાની સરખામણીએ ૨૦૧૬માં ૮૦.૭ ટકા સુધી પહોંચી ગઈ છે, જ્યારે દેશના ૫૦ ટકા ગરીબ પાસે કુલ સંપત્તિની માંડ ૨.૧ મિલકત છે. એજન્સીનું કહેવું છે કે સરકાર કોઈ પણ પક્ષની હોય પણ અમીર લોકોની સંપત્તિમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ ૨૦૦૦માં સૌથી અમીર એવા એક ટકા લોકોની સંપત્તિ દેશની કુલ સંપત્તિના ૩૬.૮ ટકા હતી, જે છેલ્લાં ૧૬ ‍વર્ષમાં એક તૃતીયાંશથી પણ વધુ વધી છે.

અમીરો અને ગરીબોની સંપત્તિની સરખામણી કરવામાં આવે તો ભારત સૌથી વધુ આર્થિક અસમાનતા ધરાવતો દેશ છે. ચીનમાં સૌથી અમીર એક ટકા લોકોની મિલકત ૪૩.૮ ટકા, ઈન્ડોનેશિયામાં ૪૯.૩ ટકા, બ્રાઝિલમાં ૪૭.૯ ટકા અને દક્ષિણ આફ્રિકામાં આવી ટકાવારી ૪૧.૯ ટકા છે, જોકે રશિયામાં આવી ટકાવારી ૭૪ ટકા છે.

ભારતીયોની સંપત્તિ ૦.૮ ટકા ઘટી
ભારતમાં અમીરોની સંપત્તિમાં વધારો થયો છે, પરંતુ આવું દરેકની સંપત્તિમાં જોવા મળ્યું નથી. વસ્તીમાં ૯૬ ટકા વયસ્ક લોકોની સંપત્તિ ૧૦૦૦૦ ડોલર  (૬ લાખ ૭૦ હજાર રૂપિયા)થી ઓછી છે. આ ‍વર્ષે ભારતીયોની ઘરેલુ મિલકતમાં કુલ મળીને ૨૬ અબજ ડોલરનો ઘટાડો થયો છે, તે ૩૦૦૦ અબજ ડોલર પર આવી ગઈ છે. અહેવાલ મુજબ ડોલરના હિસાબે ભારતની ઘેરલુ મિલકત ૨૦૧૬માં ગત વર્ષની સરખામણીએ ૦.૮ ટકા એટલે કે ૨૬ અબજ ડોલર ઘટી ૩૦૯૯ અબજ ડોલર હતી.
visit : www.sambhaavnews.com

You might also like