ગ્રાહકની નાડ પારખીને વેપાર કરવાની આવડત અમુક વેપારીઓમાં જ હોય છે. મુકેશ અંબાણીએ જિઓ ૪-જી સેવા આપવાની જાહેરાત કરી તે બાદ ભારતના સમગ્ર ટેલિકોમ ક્ષેત્રમાં સારી એવી ઉથલપાથલ અને ફેરફાર જોવા મળ્યાં. સ્માર્ટફોન અને મોબાઈલ ઈન્ટરનેટની વધતી જતી જરૂરિયાતના પરિણામે છેલ્લાં પાંચ વર્ષમાં તમામ મોબાઈલ કંપનીઓએ ડેટાચાર્જમાં ઉત્તરોતર વધારો કર્યો હતો. મોબાઈલ ઈન્ટરનેટ જરૂરિયાત બન્યું હોવાથી પેટ્રોલ, શાકભાજી કે કઠોળના ભાવવધારાના વિરોધની જેમ આ ધરખમ ભાવવધારાનો વિરોધ કોઈ કરતું નહોતું.
મોંઘું છતાં મોટાભાગના નાગરિકો માટે મોબાઈલ ઈન્ટરનેટ જરૂરિયાત બન્યું હોવાથી લોકોએ તેને સ્વીકાર્યું હતું. ગત ૧ સપ્ટેેમ્બરે મુકેશ અંબાણીએ જ્યારે આકર્ષક ૪-જી સેવાની જાહેરાત કરી ત્યારે તેના વિવિધ પાસાં જોતાં એ જ ફલિત થાય છે કે સ્માર્ટફોનનો ઉપયોગ કરનારની જરૂરિયાત સમજી તેની નાડ તેમણે પારખી છે. ૩-જી સ્પેક્ટ્રમમાં ખોટ જતી હોવાનું કારણ આપી તમામ ટેલિકોમ કંપનીઓ ડેટાચાર્જમાં વધારો કર્યે જતી હતી.
સસ્તા ૪-જીની જાહેરાત પછી કેટલીક કંપનીઓએ તેમના ડેટાચાર્જમાં એકાએક ધરખમ ઘટાડો કર્યો છે તો કેટલીક કંપનીઓએ જે-તે પ્લાનમાં અપાતા ડેટાને બમણો કર્યો છે. જોકે કેટલાંક નિષ્ણાતોના મતે આ ૪-જી સેવા વોડાફોન, એરટેલ કે આઈડિયા જેવા મોટાં માથાંને એક હદ સુધીની અસર જ કરી શકશે, પરંતુ એરસેલ, ટેલિનોર તેમજ આરકોમ જેવી કંપનીઓનાં ભવિષ્ય તેમજ નીતિઓ પર ઘણાં પ્રશ્નાર્થચિહ્ન મૂકશે. ઉપરાંત આવી નાની ટેલિકોમ કંપનીઓને ધિરાણ આપનારાં સંસ્થાનો પણ હવે અમુક શરતો બાદ જ ધિરાણ આપવા તૈયાર થશે. આમ, કેટલીક નાની ટેલિકોમ કંપનીઓના અસ્તિત્વ અને સંચાલન પર અનેક સવાલ પણ ઊઠ્યા છે.