આગામી સપ્તાહનાં TCS અને વિપ્રોનાં પરિણામ પર બજારની નજર રહેશે

શેરબજાર છેલ્લે ઊંચા મથાળે બંધ થયું હતું. નિફ્ટીમાં ૧૪૧ પોઇન્ટનો ઉછાળો નોંધાઈ ૭,૮૫૦ની સપાટીએ બંધ જોવાઇ હતી. શુક્રવારે ઇન્ફોસિસનાં પરિણામ બજારની અપેક્ષા કરતાં સારાં આવ્યાં છે ત્યારે આગામી સપ્તાહે સોમવારે ઇન્ફોસિસ કંપનીના શેર સહિત અન્ય આઇટી કંપનીના શેર ઉપર પણ તેની સકારાત્મક અસર જોવાઇ શકે છે.

દરમિયાન આગામી સપ્તાહની શરૂઆતે સોમવારે આઇટી સેક્ટરની કંપની ટીસીએસનું પરિણામ છે, જ્યારે ૨૦મી તારીખે વિપ્રો કંપનીનું પરિણામ છે. આ પરિણામો શેરબજાર માટે મહત્ત્વનાં બની રહેશે, જોકે ૧૯મી તારીખે મંગળવારે મહાવીર જયંતી હોવાના કારણે શેરબજારમાં રજા છે.

દરમિયાન આવતી કાલે ક્રૂડ ઉત્પાદન કરતા દેશોની બેઠક મળી રહી છે. સાઉદી અરેબિયાએ ક્રૂડના ઉત્પાદનમાં ઘટાડો કરવાના સંકેત આપ્યા છે. હવે જોવાનું એ રહે છે કે બેઠકમાં શો નિર્ણય લેવાય છે. આ બેઠક ઉપર પણ બજારની નજર મંડાયેલી છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ઇન્ફોસિસનાં સારાં પરિણામ, હવામાન ખાતાના સારા ચોમાસાની આગાહી તથા ફુગાવો અને આઇઆઇપી ડેટા સકારાત્મક આવ્યા છે ત્યારે શેરબજારમાં તેની સકારાત્મક અસર જોવાય તેવી શક્યતા વધુ જોવાઇ રહી છે.

You might also like