શેરબજાર રેડ ઝોનમાં ખૂલ્યુંઃ સેન્સેક્સ ૮૦ પોઈન્ટ તૂટ્યો

અમદાવાદ: વિદેશી શેરબજારોમાં વેચવાલીએ આજે શરૂઆતે સ્થાનિક બજાર નીચા ગેપથી ખૂલ્યું છે. બીએસઇ સેન્સેક્સ ૮૧ પોઇન્ટના ઘટાડે ૨૩,૫૬૭, જ્યારે એનએસઇ નિફ્ટી ૩૦ પોઇન્ટના ઘટાડે ૭,૧૬૧ની સપાટીએ ટ્રેડિંગમાં જોવાઇ હતી. આજે શરૂઆતે ભેલ, હિંદાલ્કો, એલએન્ડટી, ટાટા સ્ટીલ અને એચડીએફસી કંપનીના શેર્સમાં ૦.૫૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. તો બીજી બાજુ બજાજ ઓટો, વિપ્રો અને રિલાયન્સ કંપનીના શેર્સમાં સાધારણ સુધારા તરફી ચાલ જોવા મળી હતી. જેટ એરવેઝ કંપનીના શેર્સમાં ત્રણ ટકાનો સુધારો નોંધાયો હતો.

મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરમાં પણ વેચવાલી જોવા મળી હતી. મેટલ, ફાર્માસ્યુટિકલ, ઓટોમોબાઇલ, બેન્કિંગ, કેપિટલ ગુડ્સ અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં વેચવાલી જોવાઇ હતી. બેન્ક નિફ્ટીમાં પણ ૦.૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો. મિડકેપ સેક્ટરમાં સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર, આઇઓબી અને એલેમ્બિક ફાર્મા કંપનીના શેર્સમાં બેથી ૩.૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

You might also like