બેંગલુરુ: આગામી દિવસોમાં જો આતંકવાદીઓ કોઈ હુમલા કરશે તો તેમને ભારતીય સ્ટાર્ટઅપની ટેકનોલોજીથી બનેલા ખાસ ઇમેજિંગનો સામનો કરવો પડશે. બેંગલુરુની ટોનબો ઇમેજિંગ ઉરી જેવા હુમલાને નિષ્ફળ બનાવવામાં સેનાને મદદરૂપ બની શકશે. ટોનબો પહેલાંથી જ ભારતીય સેના સાથે કામ કરી રહી છે. તે તમામ પ્રકારની સ્થિતિમાં વસ્તુઓને પકડવા અને તેને દેખાડવા માટે મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં મદદ કરશે, તેમાં ઈન્ટેલિજન્સ સાથે સંકળાયેલી મહત્ત્વપૂર્ણ માહિતી મળી શકશે અને આતંકવાદી હુમલાને સમય મળ્યે નિષ્ફળ બનાવી શકશે. કંપનીના સીઈઓ અરવિંદ લક્ષ્મીકુમારે જણાવ્યું કે અમે સેના બેઝને વધુ સુરક્ષિત બનાવવા માટે નાઈટ વિઝન ટેકનોલોજી અને નાઈટ વિઝન ઈક્વિપમેન્ટ સાથે સેનાને મદદ કરી રહ્યા છીએ. અમે હાલ પઠાણકોટ એરબેઝની સુરક્ષા વધુ મજબૂત બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. અમે ઉરી હુમલા બાદ સેનાના ઉત્તર કમાન્ડ સાથે કામ કરી રહ્યા છીએ.
તેમણે વધુમાં જણાવ્યું કે હાલ ફર્મ પાસે ઇમેજિંગ, ખાસ કરીને થર્મલ ઇમેજિંગ સાથે સંકળાયેલી ખાસ વિશેષજ્ઞતા છે. જે ઓછા પ્રકાશમાં હીટ સિગ્નેચરના ઉપયોગથી તેની વિજિબેલિટી ક્ષમતાને વધારી શકે છે. આ ટેકનોલોજીની મદદથી ટોનબોએ ભારત અને વિદેશમાં ડિફેન્સ ડીલ્સ હાંસલ કર્યું છે. કંપનીની સ્થાપના શરૂઆતમાં 2008માં થઈ હતી. અને આટલા ઓછા સમયમાં તેણે સારી સફળતા મેળવી છે. આ માટે અન્ય કેટલીક ડિફેન્સ મેન્યુફેકચરીંગ કંપનીઓ પણ રેસમાં હતી, પરંતુ અંતે માત્ર બે કંપનીઓ જ શોર્ટલિસ્ટ થઈ હતી.