મેચ જીતીને શ્રીલંકામાં અશ્વમેધી અભિયાન ખતમ કરવા ઇચ્છે છે વિરાટસેના

કોલંબોઃ શ્રીલંકાના પ્રવાસ પર ટેસ્ટ અને વન ડે શ્રેણીની બધી જ મેચ જીતી ચૂકેલી વિરાટસેના હવે આજે રમાનારી પ્રવાસની અંતિમ ટી-૨૦ મેચ પણ જીતી લઈને પોતાના અશ્વમેધી અભિયાનને ખતમ કરવા ઇચ્છે છે. વર્તમાન ફોર્મને જોતા આ ભારતની આ જીત બહુ મુશ્કેલ નથી લાગી રહી. ભારતે ટેસ્ટ શ્રેણી ૩-૦ અને વન ડે શ્રેણી ૫-૦થી પોતાના નામે કરી. આજની મેચથી ભારતને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામે આગામી ઘરેલુ ટી-૨૦ શ્રેણીની તૈયારી કરવામાં મદદ મળશે. ભારત ઘરેલુ સત્રમાં કુલ નવ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મેચ રમવાનું છે.

આજે જ્યાં ટી-૨૦ મેચ રમાવાની છે તે પ્રેમદાસા સ્ટેડિયમની આસપાસ ગઈ કાલે આખો દિવસ વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે બંને ટીમના ખેલાડીઓ પ્રેક્ટિસ પણ નહોતા કરી શક્યા. હવામાન વિભાગની આગાહી મુજબ આજે બુધવારે પણ વરસાદ પડી શકે છે એટલું જ નહીં, એક સપ્તાહ સુધી કોલંબોમાં વરસાદની આગાહી છે. શક્ય છે કે એકમાત્ર ટી-૨૦ મેચમાં એક પણ બોલ ફેંકી ના શકાય.

જો આજની મેચમાં વરસાદ વિલન ના બને તો કોહલી એન્ડ કંપનીની નજર પ્રવાસની બધી જ મેચ જીતીને ઇતિહાસ બનાવવા પર છે. જો ભારત આજે શ્રીલંકાને ૯-૦થી હરાવી દેશે તો ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયન ટીમની બરોબરી કરી લેશે. ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને ૨૦૦૯-૧૦માં રમાયેલી શ્રેણીમાં ટેસ્ટમાં ૩-૦, વન ડેમાં ૫-૦ અને એક ટી-૨૦માં હરાવીને સમગ્ર શ્રેણીમાં પાક.નો ૯-૦થી સફાયો કરી નાખ્યો હતો.

ભારતની આગામી શ્રેણીને ધ્યાનમાં રાખીને વિરાટ કોહલી ટીમના કોમ્બિનેશનલ પર કામ કરવા ઇચ્છે છે. શ્રીલંકામાં પણ ટીમ ઇન્ડિયાએ ઘણા પ્રયોગ કર્યા, જેમાં મિડલ ઓર્ડરની બેટિંગ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું. ટીમના ફિલ્ડિંગ કોચ આર. શ્રીધરે પણ સ્પષ્ટ કરી દીધું છે કે ટીમ ઇન્ડિયા ૨૦૧૯ના વર્લ્ડકપને નજરમાં રાખીને પ્રયોગ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે પાંચમી વન ડેમાં હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો હતો. જોકે આજની મેચમાં તેને ટીમમાં સામેલ કરાય તેવી પૂરેપૂરી શક્યતા છે. આ ઉપરાંત બૂમરાહનું રમવું નિશ્ચિત છે, પરંતુ એ જોવું રહ્યું કે શાર્દુલ ઠાકુરને ફરીથી તક અપાય છે કે કેમ? અંતિમ વન ડેમાં તેને સ્થાન મળ્યું હતું, પરંતુ તે ઘણો ખર્ચાળ બોલર સાબિત થયો હતો.

કોહલી ટી-૨૦માં લેગ સ્પિનરને ઉતારવા માગે છે, કારણ કે ઈંગ્લેન્ડ સામે નાગપુર અને બેંગલુરુમાં રમાયેલી મેચમાં વિરાટે યુજવેન્દ્ર ચહલ અને અમિત મિશ્રાને ટીમમાં સ્થાન આપ્યું હતું. આજની મેચમાં તે યુજવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવને સ્પિનર તરીકે મેદાનમાં ઉતારી શકે છે.

You might also like