ભારત અને શ્રીલંકાની ટીમ પ્રથમ વન ડે માટે ધર્મશાલા પહોંચી

ધર્મશાલાઃ સતત નવમી ટેસ્ટ શ્રેણી જીતીને જોરદાર ઉત્સાહ સાથે ટીમ ઇન્ડિયા શ્રીલંકા સામે ત્રણ વન ડેની શ્રેણીની પ્રથમ મેચ માટે ધર્મશાલા પહોંચી ગઈ છે. વિરાટ કોહલીને આ શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે અને તેના સ્થાને રોહિત શર્મા ટીમની કેપ્ટનશિપ સંભાળી રહ્યો છે. શ્રેણીની પ્રથમ વન ડે રવિવારે રમાશે. અહીં પહોંચતાં જ બંને ટીમે આરામ કરવાનું મુનાસીબ માન્યું હતું, પરંતુ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ એકલાએ પ્રેક્ટિસ કરી હતી.

બંને ટીમ અહીં પહોંચી ત્યારે પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા ધોનીએ ધર્મશાલા પહોંચીને આરામ કરવાને બદલે પ્રેક્ટિસ કરી હતી. તે ટેસ્ટ ટીમમાં નહોતો તેથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની લયમાં પાછા ફરવા માટે તેણે ધર્મશાલાના સુંદર સ્ટેડિયમમાં જોરદાર પ્રેક્ટિસ કરી હતી.

આજે બંને ટીમ નેટ પ્રેક્ટિસ કરશે. સવારના સત્રમાં શ્રીલંકાની ટીમ અને બપોર બાદ ભારતની ટીમ પ્રેક્ટિસ કરશે. હજુ વન ડે મેચ માટે બે દિવસ બાકી છે. આ હિસાબે બંને ટીમના ખેલાડીઓને અહીંના ઠંડા વાતાવરણમાં ખુદને ઢાળવાનો સમય મળી રહેશે.

શ્રીલંકા આ મેદાન પર પોતાની પ્રથમ મેચ રમશે. ધર્મશાલાના ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય ટીમના પ્રદર્શનની વાત કરવામાં આવે તો ટીમ અહીં ત્રણ વન ડે રમી છે, જેમાં ઈંગ્લેન્ડ સામે ૨૩ જાન્યુઆરી ૨૦૧૩ના રોજ સાત વિકેટે પરાજયનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ટીમ ઇન્ડિયાએ ૧૭ ઓક્ટોબર, ૨૦૧૪ના રોજ વિરાટ કોહલીની શાનદાર સદીની મદદથી વિન્ડીઝને ૫૯ રને હરાવી દીધું હતું. ૧૬ ઓક્ટોબર ૨૦૧૬ના રોજ ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી વન ડે મેચમાં હાર્દિક પંડ્યાની શાનદાર બોલિંગની મદદથી ભારતે આસાન જીત હાંસલ કરી હતી.

૧૦ ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી વન ડે શ્રેણીમાં રોહિત શર્માના નેતૃત્વની પણ પરીક્ષા થશે. એ જોવું દિલચસ્પ બની રહેશે કે વિરાટની ગેરહાજરીમાં રોહિત કેપ્ટનશિપનો બોઝ સફળતાપૂર્વક ઉઠાવી શકે છે કે કેમ? તેના પક્ષમાં એક વાત જરૂર રહેશે કે અહીં તેને અનુભવી ધોનીનો સાથ મળી રહેશે. કોહલી ઘણી વાર જાહેરમાં કહી ચૂક્યો છે કે ધોનીના અનુભવથી તેને મેદાન પર ઘણો ફાયદો મળે છે. રોહિત શર્મા માટે પણ ધોની શ્રીલંકા સામે એક્સ ફેક્ટર સાબિત થશે.

You might also like