રાંચીના રાજકુમારના હોમગ્રાઉન્ડ પર શ્રીલંકા સામે કાલે બીજી ટી-૨૦ મેચ

રાંચીઃ આવતી કાલે રાંચીના રાજકુમાર કહેવાતા ટીમ ઇન્ડિયાના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વ હેઠળ શ્રીલંકા સામે બીજી ટીમ રાત્રે ૭.૩૦થી શરૂ થશે. બંને ટીમ ગઈ કાલે જ રાંચી પહોંચી ચૂકી છે. એરપોર્ટથી ઊતર્યા બાદ કેપ્ટન ધોની રાંચીના હરમુ સ્થિત પોતાનાં નિવાસસ્થાને ચાલ્યો ગયો હતો, જ્યારે બંને ટીમના ખેલાડીઓને રેડિસન બ્લૂ હોટેલ ખાતે લઈ જવાયા હતા.

આવતી કાલે ઝારખંડની રાજધાની રાંચીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટી-૨૦ મેચ રમાશે. શ્રીલંકાની ટીમ પહેલી મેચમાં ભારતને પાંચ વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં ૧-૦થી આગળ ચાલી રહે છે. આ સ્થિતિમાં ભારતને શ્રેણી જીવંત રાખવા માટે આવતી કાલની મેચ કોઈ પણ સંજોગોમાં જીતવી જ પડશે. ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ષ અમિતાભ ચૌધરીએ જણાવ્યું છે કે રાંચીના સ્ટેડિયમની ૧૧,૦૦૦થી વધુ ટિકિટ વેચાઈ ચૂકી છે. સ્ટેડિયમની ક્ષમતા ૩૯,૦૦૦ દર્શકોની છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મેચના દિવસે સ્ટેડિયમ દર્શકોથી ખીચાખચ ભરાઈ જશે.

દરમિયાન, ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ હિંમત દાખવતા કહ્યું હતું કે, ”શ્રીલંકા સામે મંગળવારે પહેલી ટ્વેન્ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં તેની ટીમના થયેલા પરાજયથી આગામી વર્લ્ડ ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપ પહેલાં ટીમની બેટિંગ તાકાતને આંકવાનો મોકો મળ્યો છે. અમે આ પરાજયમાં પણ ઘણું નવું શીખ્યા છીએ. ધોનીએ કહ્યું હતું કે ટી-૨૦ મેચમાં બધી ૨૦ વિકેટ પડવી ઘણી અસાધારણ વાત છે અને આથી અમને અમારી બેટિંગનું ખરેખરું માપ કાઢવાનો મોકો મળ્યો છે. ઉપલા ક્રમના બેટ્સમેન જો હંમેશાં સારો દેખાવ કરે તો નીચલા ક્રમના બેટધરોની ચકાસણી કરવાનો મોકો મળતો નથી.” એમ તેણે વધુમાં કહ્યું હતું.

ધોનીએ કબૂલ કર્યું હતું કે ભારતીય બેટ્સમેનોએ ઓસ્ટ્રેલિયા ખાતેના છેલ્લા પ્રવાસમાં ટી-૨૦ મેચોમાં નિર્જીવ પિચ પર રમ્યા પછી કદાચ પુણે જેવી જીવંત પીચની આશા રાખી નહોતી. મંગળવારની પ્રથમ વન-ડેમાં ૧૯ બૉલ સુધી ક્રીઝ પર ટકી ગયેલા અને પ્રથમ મેચમાં શ્રીલંકાની પાંચમાંથી બે વિકેટ ઝડપનાર આશિષ નેહરાએ ઈજાના ડરથી ગઈ કાલે સાથી ખેલાડીઓ સાથેની ફૂટબૉલના પ્રૅક્ટિસ સેશનમાં ભાગ નહોતો લીધો.

You might also like