આજે હારશે તો શ્રીલંકાનો વિશ્વ કપમાં સીધો પ્રવેશ મુશ્કેલ બનશે

કોલંબોઃ શ્રીલંકા સામે ચોથી વન ડે મેચમાં આજે ભારતીય ટીમ સતત ચોથી જીત હાંસલ કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઊતરે. ભારત શ્રેણીમાં ૩-૦થી આગળ છે. કેપ્ટન વિરાટ કોહલી ૨૦૧૯ના વિશ્વકપની તૈયારીઓને નજરમાં રાખીને અન્ય ખેલાડીને તક આપી શકે છે. આનાથી કુલદીપ યાદવ, મનીષ પાંડે, અજિંક્ય રહાણે અને શાર્દુલ ઠાકુરને અંતિમ ઈલેવનમાં તક મળી શકે છે, જ્યારે સામા પક્ષે જો આજે શ્રીલંકા હારી જશે તો તેનો વિશ્વકપમાં સીધો પ્રવેશ મુશ્કેલ બની જશે.
કોહલી સતત સારું પ્રદર્શન નથી કરી શક્યો, જ્યારે ચોથા નંબર કે. એલ. રાહુલને મોટી ઇનિંગ્સનો ઇંતેજાતર છે. સતત બે મેચમાં ખાતું ખોલવામાં નિષ્ફળ રહેલા કેદાર જાધવ પર પણ દબાણ છે. તે અકિલા ધનંજયની બોલિંગ સમજવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યો છે. પહેલી મેચમાં તે ગૂગલી બોલ ચૂકી ગયો અને બીજી મેચમાં સ્વીપ શોટ રમતા બોલની લંબાઈને ઓળખી શક્યો નહોતો.

આજની મેચમાં લસિથ મલિંગા કેપ્ટન
શ્રીલંકાની ટીમની વાત કરવામાં આવે તો ઈજાગ્રસ્ત ખેલાડીઓની લાંબી યાદી યજમાન ટીમને સતાવી રહી છે. ટીમનો કાર્યકારી કેપ્ટન ચમારા કાપુગેદરા પણ હવે ઈજાગ્રસ્ત થઈ ગયો છે અને તે આજની મેચમાં રમવાનો નથી. ઈજાઓથી પરેશાન શ્રીલંકાના ટીમ મેનેજમેન્ટે આજની મેચ માટે લસિથ મલિંગાને ટીમનું નેતૃત્વ સોંપ્યું છે.

વર્તમાન શ્રેણીમાં બેટિંગ ક્રમમાં અસ્થિરતા શ્રીલંકાની નબળાઈ રહી છે. આ સ્થિતિમાં ફરી એક વાર શ્રીલંકા સામે મોટો સ્કોર નોંધાવવાનો પડકાર છે, જે અત્યાર સુધી રમાયેલી ત્રણેય મેચમાં શ્રીલંકા કરી શક્યું નથી. થરંગાની ગેરહાજરીમાં ટીમનો ભાર ભૂતપૂર્વ કેપ્ટન અને સૌથી અનુભવી ખેલાડી એન્જેલો મેથ્યુસ પર રહેશે. નિરોશન ડિકવેલા અને કુશાલ મેન્ડિસ પાસેથી પણ શ્રીલંકાના ચાહકો મોટી ઇનિંગ્સની આશા રાખી રહ્યા છે. જો આ ત્રણેય પોતાના બેટથી યોગદાન આપવામાં સફળ થશે તો શ્રીલંકા સારો સ્કોર નોંધાવી શકે છે.

બોલિંગમાં યજમાન ટીમ માટે ઓફ સ્પિનર અકિલા ધનંજયે બધાને ઘણા પ્રભાવિત કર્યા છે. તેણે બીજી મેચમાં છ વિકેટ ઝડપીને એક સમયે ભારતને પરાજય તરફ ધકેલી દીધું હતું, પરંતુ ધોની અને ભુવીએ તેના પ્રયાસો પર પાણી ફેરવી દીધું હતું. ત્રીજી મેચમાં પણ અકિલા બે વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો.

ઈજાગ્રસ્ત થનારો કાપુગેદરા શ્રીલંકાની ટીમનો પાંચમો ખેલાડી છે. આ પહેલાં દિનેશ ચંદીમલ, કુશલ પરેરા, અસેલા ગુણારત્ને ઈજાને કારણે બહાર થઈ ગયા છે. દાનુષ્કા ગુણાથિલકા પણ ખભાની ઈજાની સારવાર કરાવી રહ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે પાંચમી વન ડેમાં પોતાના પરનો પ્રતિબંધ પૂરો થઈ જતા ઉપુલ થરંગા ટીમનું નેતૃત્વ સંભાળી લેશે.

You might also like