૨૦૧૬નું વર્ષ ભારતીય ક્રિકેટ માટે શાનદાર બની રહ્યું

અમદાવાદઃ ૨૦૧૬નું વર્ષ ભારતીય ક્રિકેટ માટે એક ખાસ વર્ષ બની રહ્યું છે. ફક્ત પુરુષ ટીમ જ નહીં, બલકે મહિલા ક્રિકેટ ટીમે પણ શાનદાર પ્રદર્શન કરતાં ભારત માટે ગૌરવ હાંસલ કર્યું એટલું જ નહીં અંડર-૧૯ યૂથ ટીમે પણ શાનદાર પ્રદર્શન કરતાં એશિયા કપ પોતાના નામે કરી લીધો. ૨૦૧૬માં ટીમ ઇન્ડિયાએ ચાર ટેસ્ટ મેચમાં સૌથી શાનદાર પ્રદર્શન કર્યું. ટી-૨૦માં પોતાનો દબદબો જાળવી રાખ્યો. જો મહિલા ટીમની વાત કરવામાં આવે તો ભારતીય મહિલા ટીમે વન ડે ક્રિકેટમાં સારું પ્રદર્શન કરતાં ઘણી શ્રેણી પોતાના નામે કરી લીધી.

ભારતની મહિલા, પુરુષ અને અંડર-૧૯ ટીમે એશિયા કપ જીત્યો ૨૦૧૬માં ભારતીય મહિલા, પુરુષ અને અંડર-૧૯ ક્રિકેટ ટીમે એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કરતાં ટ્રોફી પોતાના નામે કરી. ૬ માર્ચે ઢાકાના મીરપુર મેદાનમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી ટી-૨૦ એશિયા કપની ફાઇનલ મેચમાં ભારતે યજમાન બાંગ્લાદેશની ટીમને આઠ વિકેટથી હરાવીને ચેમ્પિયનશિપ જીતી લીધી. ફક્ત પુરુષ જ નહીં, મહિલા ટી-૨૦ એશિયા કપ પણ ભારતે પોતાના નામે કરી લીધો. તા. ૪ ડિસેમ્બરે બેંગકોકના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગ્રાઉન્ડ પર રમાયેલી ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને ૧૭ રનથી હરાવીને કપ પોતાના નામે કર્યો.

ભારતીય મહિલા ટીમ તરફથી બેટિંગ કરતાં કેપ્ટન મિતાલી રાજની શાનદાર ૭૩ રનની ઇનિંગ્સના કારણે પાકિસ્તાન સામે ૧૨૨ રનનું લક્ષ્ય મૂક્યું હતું, પરંતુ પાકિસ્તાની ટીમ ફક્ત ૧૦૪ રન જ બનાવી શકી હતી. ૨૩ ડિસેમ્બરે શ્રીલંકાના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી અંડર-૧૯ એશિયા કપમાં ભારતે જીત હાંસલ કરી. ફાઇનલમાં ભારતે શ્રીલંકાને ૩૪ રનથી હરાવી દીધું. ટોસ જીતીને બેટિંગ કરતાં ભારતે નિર્ધારિત ૫૦ ઓવરમાં ૨૭૩ રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતાં શ્રીલંકાની આખી ટીમ ૨૩૯ રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આમ, ભારતે એ મેચ ૩૪ રને જીતી લીધી હતી.
ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઇન્ડિયાનું શાનદાર પ્રદર્શનઃ ૨૦૧૬માં ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઇન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું છે. વિરાટ કોહલીની કેપ્ટનશિપવાળી ટીમ ઇન્ડિયાએ આ વર્ષમાં એક પણ ટેસ્ટ ગુમાવી નથી. આ વર્ષે ભારત ૧૨ ટેસ્ટ રમ્યું, જેમાંથી નવ ટેસ્ટમાં જીત હાંસલ કરી અને ત્રણ ટેસ્ટ ડ્રો રહી. આ વર્ષે ભારતે પોતાની બધી ટેસ્ટ શ્રેણી જીતી લીધી છે. જુલાઈ અને ઓગસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ તેમની જ ધરતી પર રમાયેલી ચાર ટેસ્ટની શ્રેણી ભારતે ૨-૦થી જીતી લીધી હતી.

સપ્ટેબરમાં ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ત્રણ ટેસ્ટની શ્રેણીમાં ક્લીન સ્વીપ કરતાં ભારતે ૩-૦થી જીત નોંધાવી. પછી ડિસેમ્બરમાં ઈંગ્લેન્ડ સામેરમાયેલી પાંચ ટેસ્ટની શ્રેણી પણ ભારતે ૪-૦થી જીતી લીધી. ટેસ્ટમાં શાનદાર પ્રદર્શનને કારણે ભારતે ટેસ્ટ રેન્કિંગમાં પહેલા સ્થાને કબજો જમાવી દીધો છે.

વન ડે મેચમાં મહિલા ટીમનું શાનદાર પ્રદર્શનઃ ભારતીય મહિલા ટીમે વન ડે ક્રિકેટમાં આ વર્ષે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ વર્ષે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ કુલ નવ મેચ રમી અને તેમાંથી સાત મેચ જીતી લીધી. સૌથી મોટી વાત એ રહી કે ભારતીય ટીમે ફેબ્રુઆરીથી નવેમ્બર દરમિયાન સતત આઠ મેચમાં વિજય હાંસલ કર્યો છે. ભારતીય મહિલા ટીમ આ વર્ષે ત્રણ વન ડે શ્રેણી રમી, જેમાંથી બે શ્રેણી જીતી લીધી અને એક શ્રેણીમાં પરાજય થયો. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ મેચની શ્રેણીમાં ભારતને ૧-૩થી હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ-ત્રણ મેચની શ્રેણી ૩-૦થી જીતી લીધી હતી.

ટી-૨૦માં પણ ટીમ ઇન્ડિયાનો સુંદર દેખાવઃ ૨૦૧૬માં ટી-૨૦માં પણ ટીમ ઇન્ડિયાનો દેખાવ ઘણો સારો રહ્યો. જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ત્રણ મેચની ટી-૨૦ શ્રેણીમાં ભારત ૩-૦થી જીત્યું હતું. ફેબ્રુઆરીમાં શ્રીલંકા સામે ત્રણ મેચની ટી-૨૦ શ્રેણી ભારતે પોતાના નામે કરી લીધી હતી. એ શ્રેણીમાં ભારતે ૨-૧થી જીત હાંસલ કરી હતી. ત્યાર બાદ ફેબ્રુઆરી અને માર્ચમાં બાંગ્લાદેશમાં રમાયેલા ટી-૨૦ એશિયા કપમાં ભારત ચેમ્પિયન બન્યું હતું. સૌથી મોટી વાત એ છે કે એશિયા કપની બધી જ મેચ ભારતે જીતી હતી. માર્ચમાં ભારતમાં રમાયેલા ટી-૨૦ વર્લ્ડકપમાં પણ શાનદાર પ્રદર્શન કરતાં ભારતે સેમિફાઇનલ સુધીની સફર ખેડી હતી. જૂનમાં ઝિમ્બાબ્વે વિરુદ્ધ રમાયેલી ત્રણ મેચની ટી-૨૦ શ્રેણીમાં ક્લીન સ્વીપ કરતા ભારતે ૩-૦થી શ્રેણી જીતી. ૨૦૧૬માં ભારત કુલ ૨૧ ટી-૨૦ મેચ રમ્યું, જેમાંથી ૧૫માં જીત હાંસલ કરી, પાંચમાં પરાજય થયો અને એક મેચમાં પરિણામ આવી શક્યું નહોતું.
http://sambhaavnews.com/

You might also like