ભારતે પાક.ને આપ્યો જવાબ, ‘આતંકીઓને ઘૂસાડનાર દેશ લોકતંત્રની શિખામણ ન આપે’

સંયુક્ત રાષ્ટ્રમાં એકવાર ફરી ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. જીનીવામાં આયોજીત સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદની સામે ભારતે કહ્યું કે, ભારતને એવા દેશ પાસેથી લોકતંત્રનું જ્ઞાન લેવાની જરૂર નથી, જે પોતે એક નિષ્ફળ દેશ સાબિત થયો હોય.

UNમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર મિનિ દેવી કુમમે પાકિસ્તાનને જવાબ આપતા કહ્યું કે, પાકિસ્તાન એવો નિષ્ફળ દેશ છે, જ્યાં આતંકીઓ છૂટથી ફરે છે, તેવા દેશે કોઈ શિખામણ આપવાની જરૂર નથી.

જીનીવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 37મા સત્રમાં ભારતે જવાબ આપતા કહ્યું કે, ‘પાકિસ્તાન એવો દેશ છે, જ્યાં ખતરનાક આતંકી ઓસામા બિન લાદેનને સંતાવા માટે જગ્યા મળી રહે છે અને મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ જેવા આતંકીઓ પણ પાકિસ્તાનમાં જ ફરે છે.’

પાકિસ્તાન તરફથી તાહિર અંદ્રાબીએ જવાહર લાલ નહેરુનો ઉલ્લેખ કરતાં કાશ્મીરમાં જનમત સંગ્રહનો રાગ ફરી આલાપ્યો હતો. જેના જવાબમાં ભારતના મિનિ દેવીએ જવાબ આપ્યો કે, પહેલા પાકિસ્તાને POKમાંથી ગેરકાયદેસર કબ્જો ખાલી કરવાની વાત કરવી જોઈએ અને પાકિસ્તાન વારંવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે, તેના પર ધ્યાન આપવું જોઈએ. ઉપરાંત પાકિસ્તાનમાં લઘુમતી ગણાતા હિંદુઓ પર થતા અત્યાચારનો મુદ્દો પણ ભારતે યુએનમાં રજૂ કર્યો હતો.

You might also like