ભારતમાં આદર્શ રીતે માત્ર પાંચથી સાત જ બેન્ક હોવી જોઈએ

નવી દિલ્હી: ભારતમાં આદર્શ રીતે પાંચથી સાત જ મોટી બેન્ક હોવી જોઇએ. ભારતના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમનું આવું માનવું છે. જાહેર ક્ષેત્રની બેન્કના મૂડીગત આધારને મજબૂત બનાવવા માટે સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ રૂ. ૨.૧૧ લાખ કરોડના રિકેપિટલાઇઝેશન પેકેજના એક દિવસ બાદ અરવિંદ સુબ્રમણ્યમેે બેન્ક અંગે આ વિચાર રજૂ કર્યો છે. તેમણે બેન્કિંગ ક્ષેત્રના કોન્સોલિડેશન પર ભાર મૂક્યો છે.

શિરોમણિ ગુરુ તેગબહાદુર ખાલસા કોલેજના એક કાર્યક્રમમાં અરવિંદ સુબ્રમણ્યમેે જણાવ્યું હતું કે આગામી સમયમાં બેન્કિંગ ક્ષેત્રમાં દેશમાં જાહેર અને ખાનગી સેક્ટરમાં એવી મોટી બેન્કો હોવી જોઇએ કે જેથી રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક હોવાની સાથેસાથે આ બેન્કો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સ્પર્ધાનો સામનો કરી શકે. તેમણે ચીનનો દાખલો આપતા જણાવ્યું કે ત્યાં માત્ર ચાર જ મોટી બેન્ક છે, જેની ગણના વિશ્વની મોટી બેન્કમાં થાય છે.

અરવિંદ સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે આજે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે બેન્કિંગ સિસ્ટમમાં ખાનગી ક્ષેત્રની વધુ ભાગીદારી હોવી જોઇએ કે નહીં? આજથી પાંચ કે દશ વર્ષ દરમિયાન ભારત માટે કેવા પ્રકારનું બેન્કિંગ માળખું બહેતર રહેશે? આદર્શ રીતે જોઇએ તો પાંચથી સાત મોટી બેન્કની જરૂર છે. આ બેન્ક ખાનગી અને જાહેર બંને ક્ષેત્રમાં હોવી જોઇએ.

સુબ્રમણ્યમેે આ બાબતે રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર વાય.વી. રેડ્ડીને ટાંકીને જણાવ્યું હતું કે તેની પાછળનો હેતુ એવો હોવો જોઇએ કે નહીં ચાલતી બેન્કને ઓછામાં ઓછું સ્થાન મળવું જોઇએ. બેન્ક માટે મૂડી પેકેજ પસંદગીના આધારે આપવું જોઇએ. તેમણે જણાવ્યું કે તમામ બેન્કે લઘુતમ મૂડી પર્યાપ્તતા ધરાવવી જોઇએ.

You might also like