નવી દિલ્હી: ભારતના શસ્ત્રાગારમાં સૌથી શકિતશાળી બ્રહ્માસ્ત્ર અગ્નિ-પ મિસાઇલ સામેલ થનાર છે. ભારત દેશની સૌથી પાવરફૂલ અને લાંબા અંતર સુધી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતી અગ્નિ-પ મિસાઇલની પ્રથમ બેચ હવે ટૂંક સમયમાં ભારતીય સુરક્ષાદળોના હવાલે કરવામાં આવશે અને તેના પગલે ભારતીય સેનાની તાકાત ઘણી વધી જશે.
ભારત માટે આ મિસાઇલ કેટલી મહત્ત્વપૂર્ણ છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાશે કે અગ્નિ-પ મિસાઇલની પ્રહાર ક્ષમતાની રેન્જમાં સમગ્ર ચીન અને અડધું યુુરોપ આવી જાય છે. આમ, અગ્નિ-પ મિસાઇલથી ચીનના કોઇ પણ વિસ્તારને નિશાન બનાવી શકાશે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર પ,૦૦૦ કિ.મી.ની પ્રહાર ક્ષમતા ધરાવતી આ મિસાઇલ સિસ્ટમ અણુશસ્ત્રો વહન કરી શકે છે. આ મિસાઇલ સિસ્ટમને સ્ટ્રેટેજિક ફોર્સીઝ કમાન્ડમાં સામેલ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. તેમણે જણાવ્યું હતું કે દેશની સૌથી અત્યાધુનિક મિસાઇલ સિસ્ટમ સેનાને સોંપતાં પહેલાં તેેનાં અનેક પરીક્ષણ કરવામાં આવી રહ્યાં છે.
સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે આ મિસાઇલ દ્વારા બીજિંગ, શાંઘાઇ, ગુવાંગજાઉ અને હોંગકોંગ જેવાં શહેરો સહિત ચીનના કોઇ પણ વિસ્તારને ટાર્ગેટ કરી શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા મહિને જ અગ્નિ-પ મિસાઇલનું ઓડિશાના સમુદ્રકાંઠેથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.