એશિયન ગેમ્સઃ અટલજીને ભારતીય ખેલાડીઓ મેડલ કરશે સમર્પિત

પાલેમબેંગઃ આજથી ઇન્ડોનેશિયામાં ૧૮મી એશિયન ગેમ્સની શરૂઆત થઈ રહી છે. એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહેલા ભારતના ૫૭૨ ખેલાડીઓ પહોંચી ચૂક્યા છે. ભારતીય ખેલાડીઓએ રમતની શરૂઆતની પૂર્વ સંધ્યાએ ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

આની સાથે એવી જાહેરાત પણ કરી હતી કે એશિયન ગેમ્સમાં જે પણ ખેલાડી મેડલ જીતવામાં સફળ રહેશે તે પોતાનો મેડલ અટલ બિહારી વાજપેયીને અર્પણ કરશે. ભારતનાં ૫૭૨ ખેલાડીઓમાં ૩૧૨ પુરુષ અને ૨૬૦ મહિલા ખેલાડી સામેલ છે. ખેલાડીઓ ઉપરાંત ૨૩૨ કોચ પણ ઇન્ડોનેશિયા પહોંચ્યા છે.

સ્પોર્ટ્સ વિલેજમાં ખેલાડીઓ ભોજનથી ખુશ, રૂમથી નિરાશ:
એશિયન ગેમ્સ માટે ઇન્ડોનેશિયા પહોંચેલા ભારત અને અન્ય દેશના ખેલાડીઓને અહીંના સ્પોર્ટ્સ વિલેજમાં અલગ અલગ ભોજન મળવાની ખુશી છે, પરંતુ રહેવા માટે ફાળવવામાં આવેલા નાના રૂમ સાથે થોડી ફરિયાદ પણ છે. એક ભારતીય ખેલાડીએ કહ્યું, ”અહીંનાં રૂમ નાના છે. દરેક રૂમમાં ત્રણ બેડ અને એક બાથરૂમ છે. જો અહીં થોડી વધુ જગ્યા હોત તો સારું થાત.”

જાપાનની મહિલા ટેનિસ ટીમના કોચ ફુરુશો દાઇજિરોએ કહ્યું, ”હા, રૂમ બહુ જ નાના છે, પરંતુ ઠીક છે. આ બધા માટે એક સમાન છે. એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક જેવી ગેમ્સના આયોજનની આ જ સુંદરતા હોય છે. અહીં પીરસવામાં આવતું ભોજન મને બહુ જ પસંદ પડ્યું છે. ઇન્ડોનેશિયા અને વૈશ્વિક વાનગીઓના ઘણા વિકલ્પ છે, જેનાથી ખેલાડીઓ ખુશ છે.”

You might also like