નોટબંધી-GSTથી ભારતનાં આર્થિક વૃદ્ધિદરને ફટકોઃ રઘુરામ રાજન

વોશિંગ્ટનઃ રિઝર્વ બેંકનાં પૂર્વ ગવર્નર રઘુરામ રાજને નોટબંધી અને જીએસટીને દેશના આર્થિક વિકાસના માર્ગમાં આવનારા એવા બે મોટા અવરોધક બતાવ્યાં છે, જેનાં કારણે ગઇ સાલ વિકાસની ગતિ પ્રભાવિત થઇ હતી. તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સાત ટકાનો વૃદ્ધિદર દેશની જરૂરિયાતને જોતાં પર્યાપ્ત નથી.

રઘુરામ રાજને બર્કલેમાં કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં જણાવ્યું હતું કે નોટબંધી અને જીએસટી એવા બે મુદ્દા છે, જેના કારણે અર્થતંત્ર પ્રભાવિત થયું છે. નોટબંધી-જીએસટી પહેલા ૨૦૧૨થી ૨૦૧૬ દરમિયાન ભારતનો આર્થિક વિકાસ ઘણો ઝડપી રહ્યો હતો.

રઘુરામ રાજનની આ ટિપ્પણી સામે નિશાન તાકતા નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું છે કે નોટબંધી અને જીએસટી જરૂરી સુધારા હતા. નોટબંધી અને જીએસટીનો બચાવ કરતા જેટલીએ જણાવ્યું છે કે ટીકાકારો એવું કહે છે કે જીએસટીને કારણે આર્થિક વિકાસ ધીમો પડી ગયો છે, પરંતુ જીએસટી એ યોગ્ય રીતે લાગુ પાડવામાં આ‍વેલ મહત્ત્વનો સુધારો છે.

બેન્કિંગ વ્યવસ્થામાં ગેરવહીવટ બદલ આરબીઆઇ સામે નિશાન ટાંકતા જેટલીએ જણાવ્યું હતું કે બેન્કોએ એનપીએ ઘટાડવાની જરૂર છે. આ સંબંધમાં લેવામાં આવેલાં કેટલાંક પગલાંનાં પરિણામો જોવા મળી રહ્યાં છે.

યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાની ૧૦૦મી વર્ષગાંઠ પ્રસંગે વિડીયો લિંક દ્વારા નાણાપ્રધાને જણાવ્યું હતું કે બે ક્વાર્ટર સુધી વિકાસદરમાં ઘટાડા બાદ તે વધીને સાત ટકા પહોંચી ગયો છે અને ત્યાર બાદ ૭.૭ ટકા પર પહોંચી ગયો હતો.

છેલ્લાં ક્વાર્ટરમાં વિકાસદર ૮.૨ ટકા રહ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ૨૦૧૨-૧૪ દરમિયાન ૫.૫-૬ ટકા વિકાસદરની તુલનાએ વર્તમાન વિકાસદર ઘણો વધુ છે. તેમણે જણાવ્યું હતું કે જીએસટીથી આર્થિક વિકાસદર માત્ર બે ક્વાર્ટર પૂરતો જ પ્રભાવિત થયો હતો.

You might also like