ભારતે પ્રજાસત્તાક માટે ફ્રાન્સ પાસેથી શીખવાની જરૂર છે

આ વર્ષે દેશના ૬૭મા પ્રજાસત્તાક દિન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ફ્રાંસવા ઓલાંદેની ઉપસ્થિતિ અને રાજપથની પ્રજાસત્તાકદિનની પરેડમાં ફ્રાન્સના લશ્કરની એક રેજિમેન્ટની સામેલગીરીના આયોજને ભારતને એક વિશેષ ગૌરવ અને ગ‌િરમા પ્રદાન કરી છે. ભારતના પ્રજાસત્તાકદિને પાંચમી વખત ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા એ જ એક મોટી વાત છે. તેના પરથી ભારત અને ફ્રાન્સ વચ્ચેના ગાઢ સંબંધોનો નિર્દેશ મળે છે. પશ્ચિમી દેશોમાં ફ્રાન્સ કદાચ ભારતનું સૌથી સ્થાયી અને વિશ્વસનીય મિત્ર રાષ્ટ્ર રહ્યું છે. અન્ય પશ્ચિમી દેશો ખાસ કરીને અમેરિકા અને બ્રિટન સાથેના ભારતના સંબંધોમાં ચડાવ-ઉતાર આવતા રહ્યા છે, પરંતુ ફ્રાન્સ સાથેના સંબંધોમાં ક્યારેય આવું બન્યું નથી, એમાંય આ વખતે ફ્રાન્સ આર્મીની રેજિમેન્ટે રાજપથ પરની પ્રજાસત્તાકદિનની મુખ્ય પરેડમાં જોડાઇને એક ઇતિહાસ સર્જ્યો હતો. ફ્રેન્ચ રેજિમેન્ટ કે જેણે ભારતમાં ૧૭૮૪માં ટીપુ સુલતાનના સમર્થનમાં લડાઈ કરી હતી. પરેડમાં ૨૬ વર્ષ બાદ આર્મી ડોગ સ્કવોડ સામેલ થઈ હતી.

૧૯૫૦થી રાજપથ પર પરેડ યોજાઈ રહી છે, પરંતુ ૬૬ વર્ષના ઈતિહાસમાં પહેલી વાર ફ્રેન્ચ આર્મીઅે ભાગ લીધો હતો. મુખ્ય અતિથિ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાંસવા ઓલાંદેની હાજરીમાં તેમની આર્મીઅે માર્ચ પાસ્ટ કર્યું હતું. આ ઉજવણીમાં મૈસ‌ૂર લાન્સરની અેક ટીમ ફ્રેન્ચ આર્મી બાદ તરત જ રાજપથ પરથી નીકળી હતી. આતંકવાદી હુમલાના ખતરાથી પરેડનો સમય ૯૦ મિનિટ કરાયો હતો. વિદેશી મહેમાનોને વરસાદથી બચાવવા માટે કાચના આવરણવાળા શેડમાં બેેસાડવામાં આવ્યા હતા.

પરેડ બાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાંસવા ઓલાંદેએ ખાસ લોકો સાથે લંચ લીધું હતું, જેમાં અૈશ્વર્યા રાય બચ્ચન અને સુહેલ શેઠ જેવી હસ્તીઓ સામેલ થઈ હતી. અૈશ્વર્યા રાય બચ્ચન લાલ રંગની બનારસી સાડીમાં જોવા મળી હતી. સાંજે રાષ્ટ્રપતિભવનમાં પ્રણવ મુખરજીની મેજબાનીમાં અેટ હોમ યોજાયું હતું. આ કાર્યક્રમ ઓલાંદેના સન્માનમાં રાખવામાંં આવ્યો હતો.

ગત સાલ પ્રજાસત્તાકદિનની પરેડમાં સામેલ થવા આવેલા અમેરિકી પ્રમુખ બરાક ઓબામા તેમની સાથે ૪૪૦ અેજન્ટ અને ૧૬૦૦ અમેરિકી જવાન લઈને આવ્યા હતા. આ વખતે ઓલાંદે અને મોદીની સિક્યોરિટી માટે ૧૦૦ કંપનીઓ તહેનાત કરાઈ હતી, જ્યારે ઓબામા માટે ૯૫ કંપની હતી.

આમ, ફ્રાન્સના પ્રમુખ ઓલાંદેએ પોતાની આર્મી રેજિમેન્ટ સાથે ભારતના પ્રજાસત્તાકદિન સમારોહમાં હાજરી આપીને ભારતનું ગૌરવ વધાર્યું છે, પરંતુ દુનિયાના ઊભરતા પ્રજાસત્તાક સ્વરૂપે આપણે ફ્રાન્સ પાસેથી ઘણું બધું શીખવાની જરૂર છે. ફ્રાન્સમાં ભારતની જેમ પ્રથમ નહીં, પરંતુ પાંચમું ગણતંત્ર ચાલી રહ્યું છે અને તેથી આપણા ગણતંત્ર માટે ફ્રાન્સ તરફથી ચોક્કસપણે કોઇ મંત્ર મળી જશે. ૧૭૮૯ની જનક્રાંતિથી લઇને અત્યાર સુધી ફ્રાન્સે એક લાંબી મજલ કાપી છે. ૧૭૯રમાં ત્યાં પ્રથમ ગણતંત્ર જાહેર થયું હતું.

ત્યાર બાદ બે વખત ગણતંત્ર પાટા પરથી નીચે ઊતરી ગયું હતું, પરંતુ ફ્રાન્સની પ્રજાની અંદર ગણતંત્રને લઇને પ્રતિબદ્ધતા એટલી ગહન હતી કે તેમણે પોતાના દેશમાં રાજાશાહીને ટકવા જ દીધી નહીં. ત્યાં પ્રજાસત્તાક વારંવાર નિખરીને સામે આવ્યું હતું અને એટલા માટે જ ફ્રાન્સમાં આજે પાંચમું પ્રજાસત્તાક છે. અનેક ચર્ચા-વિચારણા અને સંઘર્ષ વચ્ચે દરેક વખતે નવા બંધારણ દ્વારા પ્રજાસત્તાકને વધુ ઉદાર, સર્વસમાવેષક અને પારદર્શી બનાવવા માટે ત્યાં સતત અભિયાન ચાલી રહ્યું છે.

ભારતે આ બાબતમાં ફ્રાન્સ પાસેથી પદાર્થપાઠ ભણવાની ખાસ જરૂર છે, કારણ કે છેલ્લા બે દાયકામાં આપણે ત્યાં પણ બંધારણને લઇને મૂળભૂત ચર્ચા છેડાઇ છે. ખાસ કરીને આપણું બંધારણ હંમેશાં વિવાદના વમળમાં રહ્યું છે. સમાજમાં અનેક વિરોધાભાસી વિચારધારાના કારણે બંધારણ અંગે મનોમંથન સતત જારી છે, પરંતુ બંધારણ પરની ચર્ચા અંગેની કોઇ દિશા સ્પષ્ટ નથી. બંધારણ અંગે આપણે ત્યાં કાયદાની દૃષ્ટિએ પણ કોઇ અસરકારક ચર્ચા થઇ રહી નથી.

બંધારણ અંગે માત્ર ઊહાપોહ મચાવવામાં આવે છે. કેટલાક લોકોને બંધારણ અંગે ફરિયાદો છે તો કેટલાક લોકો પોતાની માન્યતા ધરાવે છે, પરંતુ સમગ્ર સિસ્ટમને બદલવાને લઇને કોઇ વાત થઇ રહી નથી. બંધારણના માળખા અંગે વ્યવસ્થિત ચર્ચા-વિચારણા કરવા માટે કોઇ તૈયાર નથી. આપણે ફ્રાન્સ પાસેથી પાઠ ભણીને આપણા બંધારણને કઇ રીતે સંગીન બનાવવું જોઇએ તે શીખવાની જરૂર છે.

You might also like