સમગ્ર દેશમાં રક્ષાબંધનની ઉમંગભેર ઊજવણી કરાઈ

નવી દિલ્હી: આજે દેશભરમાં ભાઈ-બહેનના સ્નેહનો પર્વ રક્ષાબંધનની ભારે ઉલ્લાસ અને ઉમંગ સાથે ઊજવણી થઈ રહી છે. બહેનો આજે પોતાના ભાઈને રાખડી બાંધી રહી છે. રક્ષાબંધનના પવિત્ર પર્વ પ્રસંગે દેશના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડા પ્રધાને દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે.
રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ જણાવ્યું હતું કે રક્ષાબંધનના પવિત્ર પ્રસંગે હું તમામ દેશવાસીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમ અને વિશ્વાસના અતૂટ બંધનનું પ્રતીક છે. હું આશા રાખું છું કે રક્ષાબંધનના તહેવારથી આપણા સમાજમાં ભાઈચારો અને એકતાની લાગણી મજબૂત બને કે જેથી આપણે લોકોના કલ્યાણ માટે સંગઠિત થઈને કાર્ય કરી શકે.

આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને શુભેચ્છા આપતાં જણાવ્યું છે કે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે હું તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવું છું. ઉપરાષ્ટ્રપતિ એમ. હામિદ અન્સારીએ રક્ષાબંધનના શુભ પ્રસંગે દેશવાસીઓને અભિનંદન આપતા જણાવ્યું છે કે રક્ષાબંધન આપણા સમાજમાં ભાઈ-બહેનના પ્રેમ અને સ્નેહના મજબૂત બંધનને સમર્થન આપે છે અને આ પ્રસંગે આપણે સંકલ્પ કરીએ કે આપણા સમાજમાં પરંપરાગત રૂપે આપણે મહિલાઓનું સન્માન અને ગરિમા જાળવીએ.

You might also like