ધર્મશાલાઃ વર્લ્ડ કપની ભારત-પાક. મેચમાં રનનો ઢગલો થશે

ધર્મશાલાઃ ભારતમાં માર્ચથી શરૂ થઈ રહેલા ટી-૨૦ વર્લ્ડકપના સૌથી રોમાંચક મુકાબલામાં ભારત અને પાકિસ્તાનની ટીમ ધર્મશાલામાં સામસામે ટકરાવાની છે. ધર્મશાલા મેદાનના ક્યૂરેટરનું કહેવું છે કે આ મેચમાં રનનો વરસાદ વરસશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આ મુકાબલો ૧૯ માર્ચે થવાનો છે.

એચપીસીએના મુખ્ય ક્યૂરેટર સુનીલ ચૌણે કહ્યું, ”ટી-૨૦માં વિકેટ કેવી હોય છે એ બધા જાણે છે. અહીંની વિકેટ પણ એવી જ છે. આ પીચ બેટ્સમેનોને મદદરૂપ હશે. પીચ પર ઘણા રન બનશે. મેચ દરમિયાન પીચની સ્થિતિ બગડશે નહીં અને આઉટ ફિલ્ડ ઝડપી હશે. ૪૦ ઓવર સુધી પીચ એકસમાન જ રહેશે. ૨૪ ફેબ્રુઆરીથી અમે પીચ પર કામ કરવાનું શરૂ કરીશું. અમે હાલમાં આઉટ ફિલ્ડ પર કામ કરી રહ્યા છીએ. જો તમે ૨૮ અને ૨૯ ફેબ્રુઆરીએ મેદાન જોશો તો મેદાન પર તમને ઘાસ જોવા મળશે.” ધર્મશાલા ભારતની યજમાનીમાં યોજાનાર ટી-૨૦ વિશ્વકપની છ ક્વોલિફાઇંગની મેચની યજમાની કરશે. આ છ મેચ ૯થી ૩૧ માર્ચ દરમિયાન રમાશે. આ મેદાન બે કટ્ટર હરીફ ટીમની મેચની પણ યજમાની કરશે, જેમાં ભારત-પાકિસ્તાન ઉપરાંત ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડની મેચનો સમાવેશ થાય છે. ચૌહાણે જણાવ્યું કે, ”સ્ટેડિયમમાં ઘણા દર્શકો આવશે અને સ્ટેડિયમ ખચાખચ ભરાઈ જશે.”

You might also like