ભારત-પાકિસ્તાન મંત્રણાના મામલે સસ્પેન્સ ઘેરું બન્યું

નવી દિલ્હી : ૧૫મી જાન્યુઆરીના રોજ પ્રસ્તાવિત ભારત-પાકિસ્તાન વચ્ચે વિદેશ સચિવ સ્તરીય વાટાઘાટ પર સસ્પેન્સ વધુ ઘેરું બન્યું છે. ભારત-પાકિસ્તાન વાતચીત રદ થવાના સમાચારને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે રદિયો આપ્યો છે. જયારે એક હિંદી દૈનિકે એવો દાવો કર્યો છે કે ડોભાલે પોતાની મુલાકાતમાં ભારત-પાકિસ્તાન વાતચીત રદ થવાની વાત કરી છે, જયારે ડોભાલે ઇન્ટવ્ર્યૂ આપ્યાનો જ ઈનકાર કર્યો છે.

જોકે આ દૈનિકે ડોભાલ સાથે થયેલા ઇન્ટવ્ર્યૂની ઓડિયો ટેપ જારી કરી દીધી છે. આ ઇન્ટવ્ર્યૂમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે પાકિસ્તાન સાથે જયાં સુધી આતંકીઓ સાથે કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી કોઈ વાતચીત યોજાશે નહીં. તેમણે જણાવ્યું હતું કે ભારત પઠાણકોટ મામલામાં પાક. દ્વારા કરવામાં આવેલી અત્યાર સુધીની કાર્યવાહીથી સંતુષ્ટ છે.

એક દૈનિક અખબારે આપેલા ઇન્ટવ્ર્યૂમાં તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારની ઘટનાઓ અંગે નિવેદનબાજી કરવાનું બંધ કરવું જોઈએ અને આ માટે આપણે ફ્રાન્સ પાસેથી શીખવાની જરૂર છે. ફ્રાન્સમાં આતંકી હુમલો થયા બાદ કોઈ રાજકીય પક્ષે સરકારની ટીકા કરી ન હતી. તેમણે જણાવ્યું હતું કે પઠાણકોટ હુમલાના આરોપીઓ સામે કાર્યવાહી થશે ત્યાર બાદ જ પાકિસ્તાન સાથે વાતચીત થશે. જોકે સરકારે પાછળથી વાતચીત રદ થયાના અહેવાલને રદિયો આપ્યો હતો.

સૂત્રોએ જોકે સ્પષ્ટતા કરી હતી કે આ અંગે હજુ સુધી કોઈ આખરી નિર્ણય લેવામાં આવ્યો નથી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના ઇન્ટવ્ર્યૂ બાદ આ મામલે સસ્પેન્સ વધી ગયું છે. હવે જોવાનું એ છે કે સરકાર આ બાબતમાં કેવો નિર્ણય લે છે. પઠાણકોટ હુમલાની બાબતમાં દબાણ લાવવા ભારતે પાંચ દેશનો સાથ લીધો છે. જે પુરાવા પાકિસ્તાનને સોંપવામાં આવ્યા છે તેની એક નકલ યુકે, અમેરિકા, જાપાન, ફ્રાન્સની સાથે દક્ષિણ કોરિયાને પણ આપી છે.

પઠાણકોટ હુમલાની બાબતમાં જાણકારી હોવા છતાં કયાં ભૂલ થઈ એ બાબતે પૂછતા અજિત ડોભાલે જણાવ્યું હતું કે આ વાત સુરક્ષા દળોને ડિ-મોરેલાઈઝ કરવા માટેની છે. સુરક્ષા દળોના પ્રયાસોને લીધે જ આપણે એરબેઝને બચાવી શકયા છે. પાકિસ્તાનને લઈને ભવિષ્યની નિતી અંગે વાતચીત કરતાં ડોભાલે જણાવ્યું હતું કે જયાં સુધી પાકિસ્તાન પઠાણકોટના અપરાધીઓ સામે કડક કાર્યવાહી નહીં કરે અને ભારતને તેની કાર્યવાહીથી સંતોષ નહીં થાય ત્યાં સુધી ભારત કોઈ શાંતિ વાર્તા કરશે નહીં.

જોકે પાછળથી આ વાતને રદિયો આપ્યો હતો. પાકિસ્તાન દ્વારા પઠાણકોટના આતંકીઓ સામે પગલાં લેવા અંગે કોઈ ટાઈમ લાઈન નક્કી થઈ છે કે કેમ તે અંગે પૂછતાં ડોભાલે જણાવ્યું છે કે આવી કોઈ ટાઈમ લાઈન નિર્ધારિત થઈ નથી.

You might also like