ભારત-પાક. દ્વિપક્ષીય ક્રિકેટ ફરી શરૂ કરવા ઇમરાન ખાન ઉત્સુક

ઇસ્લામાબાદ: ક્રિકેટરમાંથી પાકિસ્તાનના વડા પ્રધાન બનેલા ઇમરાન ખાન ઇચ્છે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરીથી ક્રિકેટ શરૂ થાય. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન નઝમ શેઠીના રાજીનામા બાદ વડા પ્રધાન ઇમરાનખાને અહેસાન મનીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની જવાબદારી સોંપી છે.

નવા નિમાયેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન અહેસાન મનીએ જણાવ્યું છે કે વડા પ્રધાન ઇમરાનખાન ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ શરૂ કરાવવા ખૂબ જ ઉત્સુક અને આતુર છે.

સામાન્ય ચૂંટણી દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પૂર્વ ચેરમેન નઝમ શેઠી અને ઇમરાન વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી હતી. શેઠી નવાઝ શરીફના સમર્થક હોવાનું માનવામાં આવે છે. ઇમરાને ટ્વિટ કરીને લખ્યું હતું કે મેં અહેસાન મનીની પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન તરીકે નિમણૂક કરી છે. તેમની પાસે આ પદ માટે યોગ્યતા છે.

અહેસાન મની આંતરરાષ્ટ્રીય પરિષદ (આઇસીસી)ના અધ્યક્ષ પણ રહી ચૂકયા છે. શેઠીએ પોતાનું રાજીનામું આપતાં જણાવ્યું હતું કે હું નવા વડા પ્રધાનના શપથગ્રહણની રાહ જોઇ રહ્યો હતો. મેં હવે રાજીનામું આપી દીધું છે. મારી અને પીસીબી તરફથી અઢળક શુભકામનાઅો. આશા રાખું છું કે આપણી ક્રિકેટ ટીમ વધુ મજબૂત બને. શેઠી છેલ્લા ચાર વર્ષથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન તરીકે ફરજ બજાવતા હતા.

ભારત અને પાકિસ્તાન વચ્ચે આખરી દ્વિતીય વન-ડે સિરીઝ જાન્યુઆરી-ર૦૧૩માં યોજાઇ હતી. આ સિરીઝ ભારતે ૩-૧થી જીતી લીધી હતી, જોકે બંને વચ્ચે આખરી મુકાબલો ૧૮ જૂન, ર૦૧૭ના રોજ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં થયો હતો. તેમાં પાકિસ્તાને ૧૮૦ રનથી જીત મેળવીને ટૂર્નામેન્ટ પોતાને નામે કરી લીધો હતો. હવે બંને વચ્ચે આગામી મુકાબલો એશિયા કપમાં ૧૭ સપ્ટેમ્બરે થશે.

You might also like