જાધવ મામલે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના ચુકાદાની પ્રતીક્ષા

નવી દિલ્હી: જાસૂસીના આરોપમાં પાકિસ્તાની જેલમાં બંધ ભારતીય અને નૌકાદળના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવના મામલામાં ભારતે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ સમક્ષ જોરદાર દલોલો રજૂ કરી હતી. હવે સુનાવણી સમાપ્ત થઇ ગઇ છે અને કોર્ટના જણાવ્યા પ્રમાણે જેમ બને તેમ જલદી આ અંગે પોતાનો ચુકાદો સંભળાવશે.

ભારતે પાકિસ્તાન પર કાઉન્સેલર એકસેસ નહીં આપીને વિયેના કન્વેન્શનનો ભંગ કરવાનો આક્ષેપ કરીને પાકિસ્તાની કોર્ટના ચુકાદાને રદ કરવાની માગણી કરી છે. ૧૧ જજોની બેન્ચ સમક્ષ ભારત વતી દલીલ કરતાં સિનિયર એડ્વોકેટ હરીશ સાલ્વેએ ચિંતા વ્યકત કરી હતી કે પાકિસ્તાન ઉતાવળમાં કૂલભૂષણને ફાંસી ન આપી દે એટલે જાધવની ફાંસીની સજા તાત્કાલિક રદ કરવી જોઇએ.

બીજી બાજુ પાકિસ્તાને પોતાની એકની એક દલીલ વારંવાર દોહરાવતાં્ જણાવ્યું હતું કે આ મામલો ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના અધિકાર ક્ષેત્રનો નથી અને ભારત ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસને રાજકીય મંચ બનાવી રહેલ છે. આ ઉપરાંત પાકિસ્તાને એવી માગણી કરી હતી કે જાધવના કબૂલાત નામાનો વી‌િડયો ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે સાંભળવો જોઇએ, પરંતુ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે કુલભૂષણ જાધવના કહેવાતા કબૂલાતનામાનો વીડિયો સાંભળવા અને જોવાનો ઇન્કાર કરી દેતાં પાકિસ્તાનને આ કેસમાં મોટો ફટકો પડયો હતો.

આ વીડિયો ચલાવવાની કોર્ટે મંજૂરી આપવી જોઇએ નહીં એવી ભારતના સિનિયર એડ્વોકેટ હરીશ સાલ્વેની દલીલ કોર્ટે માન્ય રાખતાં પાકિસ્તાનને ફટકો પહોંચ્યો હતો.

માત્ર એક રૂપિયામાં જાધવનો કેસ લડી રહ્યાા છે એડ્વોકેટ સાલ્વે
અત્રે નોંધનીય છે કે હરીશ સાલ્વે હાઇ પ્રોફાઇલ સિનિયર એડ્વોકેટ હોવા છતાં તેઓ માત્ર એક રૂપિયામાં કુલભૂષણ જાધવનો કેસ લડી રહ્યા છે એવી જાણકારી વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે સ્વયં ‌િટ્વટ કરીને આપી હતી. સુષમા સ્વરાજે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે. હરીશ સાલ્વેએ અમારો આ કેસ લડવા માટે માત્ર રૂ.૧ની ફી લીધી છે.
http://sambhaavnews.com/

You might also like