માઇનસ ૧૦ ડિગ્રી તાપમાનમાં બરફ પર રમશે ભારત-પાક.ના ક્રિકેટર્સ

સેન્ટ મોરિત્ઝઃ ભારત અને પાકિસ્તાન વચ્ચેના ખરાબ રાજકીય સંબંધોની અસર ક્રિકેટ પર પણ પડી રહી છે, પરંતુ બંને દેશના ભૂતપૂર્વ ક્રિકેટર હવે સાથે રમતા નજરે પડશે. આ ખેલાડીઓ તા. ૮ અને ૯ ફેબ્રુઆરીને સ્વિટ્ઝર્લેન્ડના સેન્ટ મોરિત્ઝમાં બરફથી થીજી ગયેલા તળાવ પર માઇનસ ૧૦ ડિગ્રી તાપમાનમાં ટી-૨૦ ક્રિકેટ રમશે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની વિસ્ફોટક બેટિંગ માટે લોકપ્રિય રહેલો વીરેન્દ્ર સેહવાગ આ ટી-૨૦ ટૂર્નામેન્ટમાં ડાયનામોઝ ટીમનો કેપ્ટન છે, જ્યારે બીજી ટીમ રોયલ્સની કેપ્ટનશિપ પાકિસ્તાનનો શાહિદી આફ્રિદી સંભાળવાનો છે. આ ટૂર્નામેન્ટમાં શ્રીલંકા, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડના ઘણા ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીઓ રમશે.

ટૂર્નામેન્ટની બધી મેચ મેટિંગ વિકેટ પર રમાશે. બોલનો કલર લાલ રહેશે. મેચનું પ્રસારણ સોની ઈએસપીએન અને સોની સિક્સ પર સાંજે ૪.૦૦ વાગ્યાથી કરાશે. સેન્ટ મોરિત્ઝમાં બરફથી થીજી ગયેલા તળાવ પર પહેલી વાર વર્ષ ૧૯૮૮માં ફ્રેન્ડલી મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. વીરેન્દ્ર સેહવાગને જ્યારે આ ટૂર્નામેન્ટમાં રમવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું હતું ત્યારે તેણે તરત જ હા કહી દીધી હતી. બંને ટીમ આ મુજબ છેઃ

ડાયનામોઝઃ વીરેન્દ્ર સેહવાગ (કેપ્ટન), અજિત અગરકર, જોગીન્દર શર્મા, રોમેશ પવાર, ઝહીર ખાન, મોહંમદ કૈફ, માહેલા જયવર્દને, તિલકરત્ને દિલશાન, લસિથ મલિંગા, માઇક હસી, રોહન જૈન અને એન્ડ્ર્યુ સાયમન્ડ્સ.

રોયલ્સઃ શાહિદ આફ્રિદી (કેપ્ટન), ડેનિયલ વિટોરી, ગ્રીમ સ્મિથ, શોએબ અખ્તર, અબ્દુલ રઝાક, જેક કાલિસ, નાથન મેક્કુલમ, ગ્રાન્ટ ઇલિયટ, મોન્ટી પાનેસર, ઓવેસ શાહ, મેટ પ્રાયર અને એડન એન્ડ્રુઝ.

You might also like