ભારત-પાક. સરહદે પૂરનો પ્રકોપઃ સેનાની ચોકીઓ-બંકર ડૂબી ગયાં

જમ્મુ, નવી દિલ્હી: ભારે વરસાદથી પૂર આવતાં ભારત-પાક. સરહદ પર ભારે નુકસાન થયું છે, જેમાં સરહદ પરની ચોકીઓ અને બંકર તેમજ સુરક્ષાદળનાં અન્ય સ્થળોમાં પાણી ભરાઈ જતાં ભારે નુકસાન થયું છે, જ્યારે નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી 64 લોકોનાં મોત થયાં છે તેમજ આસામમાં પૂરના કારણે 2653 ગામમાં જળબંબાકાર થઈ જતાં 15 લાખ લોકોને અસર થઈ છે.

જમ્મુ, કઠુઆ અને સાંબા જિલ્લાના સરહદી વિસ્તારમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકાર સર્જાયો છે, જેના કારણે ત્યાં રહેલા સુરક્ષા કર્મચારીઓને ત્યાંથી સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. સરહદી વિસ્તારના અનેક નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ જતાં અનેક લોકો પૂરમાં ફસાઈ ગયા છે, જોકે ભારે વરસાદ છતાં ફેન્સિંગને કોઈ પ્રકારનું નુકસાન થયું નથી. સરહદી સુરક્ષા દળના અધિકારીઓએ જણાવ્યું છે કે પૂરના કારણે કોઈ મોટું નુકસાન થયું નથી. તેમ છતાં સુરક્ષા દળના જવાનોને એલર્ટ રહેવા આદેશ આપવામાં આવ્યો છે તેમજ તેઓને પૂરનાં પાણી ફરી વળે તે પહેલાં સલામત જગ્યાએ ખસી જવા જણાવાયું છે.

જમ્મુમાં ગઈ કાલે જે ભારે વરસાદ થયો હતો તેવો વરસાદ 30 વર્ષ પહેલાં થયો હતો. છેલ્લા 24 કલાકમાં 1727 મિલિમીટર વરસાદ થયો છે. આ અગાઉ ગત વર્ષની સાતમી જુલાઈએ 1726 ‌િમમી વરસાદ થયો હતો.

આસામમાં પૂરથી અનેક ગામમાં તારાજી
આસામ તેમજ ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ છે. સતત અને ભારે વરસાદથી પૂરનાં પાણી 2653 ગામમાં ફરી વળતાં ઠેરઠેર ભારે નુકસાન થયું છે. એક અંદાજ મુજબ આસામના ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરી વિસ્તારમાં પૂરનાં પાણી ફરી વળતાં 155,70,571 લોકોને અસર થઈ છે, જ્યારે 1,27,786 લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. આસામના મુખ્યપ્રધાન સર્વાનંદ સોનોવાલ દ્વારા જે તે વિસ્તારના ધારાસભ્યોને તેમના વિસ્તારમાં આવતાં ગામો કે અન્ય સ્થળોની મુલાકાત લઈ સ્થિતિનો ક્યાસ કાઢવા આદેશ આપ્યો છે.

નેપાળમાં ભારે વરસાદથી નુકસાન
નેપાળમાં પણ ભારે અને સતત વરસાદથી અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે. પૂરનાં પાણી ફરી વળતાં ભૂસ્ખલનથી લગભગ 64 લોકોનાં મોત થયાં છે. ભારે વરસાદથી અનેક મકાન અને પુલ ધ્વંસ થઈ ગયાં છે. હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. આસામ, નેપાળ અને ઉત્તરાખંડ સહિત આસપાસના અન્ય વિસ્તારો અને ઉત્તર-પૂર્વીય રાજ્યમાં પણ ભારે વરસાદથી અનેક લોકો પ્રભાવિત થયા છે.

You might also like