કેરીને લઈને ભારત-પાકિસ્તાન વચ્ચેનો જંગ જાણો છો?

સરહદથી ક્રિકેટના મેદાન પર ભારત-પાકિસ્તાન આમનેસામને હોય છે, પરંતુ આ વિવાદ સાવ અલગ પ્રકારનો જ છે. રતૌલ કેરી કયા દેશની ઓળખ છે તેને લઈને ૧૯૮૧થી વિવાદ ચાલ્યો આવે છે. ૧૯૮૧માં પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ જનરલ ઝિયા ઉલ હકે ભારતીય રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન ઈંદિરા ગાંધીને ભેટમાં પાકિસ્તાનની કેરી આપી હતી. આ કેરીનો સ્વાદ ઈંદિરા ગાંધીને એટલો પસંદ આવ્યો કે તેમણે જનરલને પત્ર લખીને કેરીનાં ખૂબ વખાણ કર્યાં અને પૂછ્યું કે આ કેરી માત્ર પાકિસ્તાનમાં જ થાય છે?

આ સમાચાર જેવા ફરતાં થયા કે ઉત્તરપ્રદેશના બાગપત જિલ્લાના રતૌલ ગામના અમુક લોકો ઈંદિરા ગાંધીને મળવા ગયા અને કહ્યું કે આ કેરીની શરૂઆત કરનારો ભારત દેશ છે, નહીં કે પાકિસ્તાન! ત્યારપછી બંને દેશો વચ્ચે આ કેરીને લઈને વિવાદ થયો કે હકીકતમાં આ કેરીને ઓળખ કોણે આપી? ત્યારે એક ખેડૂતે કહ્યું હતું કે, “ભાગલાના સમયે મારા પિતાના મોટાભાઈ અબરારૂલ હક સિદ્દિકી પાકિસ્તાન જતાં રહ્યા ને સાથે રતૌલ કેરીની ઓળખ પણ લેતા ગયા. તેમણે મુલતાનમાં એ કેરીનો આંબો ઉગાવ્યો અને પિતા અનવરૂલ હકની સ્મૃતિમાં કેરીને અનવર રાતુલ નામ આપ્યું.”

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પબ્લિક રિલેશન ડાયરેક્ટર રાહત અબરારે કહ્યું હતું કે, “અનવર રતૌલ કેરીના લીધે મુલતાન વિશ્વભરમાં ઓળખાય છે. આ કેરી પાકિસ્તાનમાં એટલી લોકપ્રિય બની કે આ જ નામથી પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડવામાં આવ્યો.” હવે થાય છે એવું કે જ્યારે વિશ્વ કેરી મહોત્સવ થાય છે ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે આ કેરીને લઈને લડાઈ થાય છે કે રતૌલ કેરી કયા દેશની છે?

You might also like