એક વિવાદઃ પાકિસ્તાન સાથે હવે વાતચીત કરવી જોઈએ કે નહીં?

પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ-એ-મહંમદના આતંકીઓ દ્વારા પઠાણકોટના એરબેઝ પર કરવામાં આવેલા હુમલા બાદ ફરી એક વખત વિવાદનો મધપુડો છંછેડાયો છે કે પાક. સાથે વાટાઘાટ ચાલુ રાખવી જોઇએ કે નહીં તે અંગે સસ્પેન્સ ઘેરાયું છે. વિરોધ પક્ષ ખાસ કરીને કોંગ્રેસે એવો દાવો કર્યો છે કે પાકિસ્તાન સમર્થિત આતંકીઓ વારંવાર ભારતના વ્યૂહાત્મક સંસ્થાનો અને મહત્ત્વના સ્થળો પર હુમલા કરતા જાય છે ત્યારે તેની સાથે વાતચીત કરવાનો શું મતલબ છે?
પઠાણકોટમાં કરવામાં આવેલો હુમલો પાકિસ્તાની ચરિત્રના ઇતિહાસને અનુરૂપ જ છે. જયારે જ્યારે પણ બંને દેશો વચ્ચે રાજકીય સ્તરે શાંતિ અને સંપર્કની કોઇ નક્કર પહેલના પ્રયાસો કરવામાં આવે છે ત્યારે ત્યારે આતંકી સંગઠનો ભારત પર કોઇને કોઇ હુમલો કરીને વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કરે છે. જે લોકો ઇચ્છતા નથી કે બંને દેશો વચ્ચે શાંતિ પ્રક્રિયા આગળ વધે તે લોકો હુમલા કરાવે છે. આ વખતે પણ એવું જ થયુંં છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અચાનક લાહોરની મુલાકાત લઇને પાકિસ્તાન તરફ દોસ્તીનો હાથ લંબાવ્યો કે જૈશના આતંકીઓએ પઠાણકોટમાં હુમલાને અંજામ આપી દીધો. ભારતમાં લગભગ બધા વિશ્લેષકો અને મીડિયાના એક મોટા વર્ગનું માનવું છે કે પાકિસ્તાન સાથે ભારતે કોઇ સાર્થક વાતચીત કરતાં પહેલાં પાકિસ્તાને ત્યાંના આતંકી સંગઠનો પર અંકુશ મૂકવો જોઇએ. જોકે આ બાબતે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સહિતના રણનીતિકારો દ્વિધામાં હોય એવું જણાય છે.

તાજેતરમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની એક રાષ્ટ્રીય દૈનિક સાથેની મુલાકાતને લઇને વિવાદ છેડાયો હતો અને આ મુલાકાતને લઇને પાકિસ્તાન સાથેની વાતચીતના મામલે સસ્પેન્સ વધુ ઘેરું બન્યું હતું. એક ઇન્ટરવ્યુમાં ભારત-પાકિસ્તાન વચ્ચે જ્યાં સુધી આતંકીઓ સામે કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી કોઇ વાતચીત થશે નહીં એવો અજિત ડોભાલે દાવો કર્યા બાદ ફેરવી તોળ્યું હતું. ભારત-પાકિસ્તાન વાતચીત રદ થવાના સમાચારને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે રદિયો આપ્યો છે. જ્યારે એક હિંદી દૈનિકે એવો દાવો કર્યો છે કે ડોભાલે પોતાની મુલાકાતમાં ભારત-પાકિસ્તાન વાતચીત રદ થવાની વાત કરી છે, જ્યારે ડોભાલે ઇન્ટરવ્યુ આપ્યાનો જ ઈનકાર કર્યો છે. જોકે આ દૈનિકે ડોભાલ સાથે થયેલા ઇન્ટરવ્યુની ઓડિયો ટેપ જારી કરી દીધી છે.

આ ઇન્ટરવ્યુમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે પાકિસ્તાન સાથે જ્યાં સુધી આતંકીઓ સાથે કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી કોઈ વાતચીત યોજાશે નહીં. તેમણે જણાવ્યું હતું કે ભારત પઠાણકોટ મામલામાં પાક. દ્વારા કરવામાં આવેલી અત્યાર સુધીની કાર્યવાહીથી સંતુષ્ટ છે.

એક દૈનિક અખબારે આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારની ઘટનાઓ અંગે નિવેદનબાજી કરવાનું બંધ કરવું જોઈએ અને આ માટે આપણે ફ્રાન્સ પાસેથી આપવાની જરૂર છે. ફ્રાન્સમાં આતંકી હુમલો થયા બાદ કોઈ રાજકીય પક્ષે સરકારની ટીકા કરી ન હતી. તેમણે જણાવ્યું હતું કે પઠાણકોટ હુમલાના આરોપીઓ સામે કાર્યવાહી થશે ત્યાર બાદ જ પાકિસ્તાન સાથે વાતચીત થશે. જોકે સરકારે પાછળથી વાતચીત રદ થયાના અહેવાલને રદિયો આપ્યો હતો.

સૂત્રોએ જોકે સ્પષ્ટતા કરી હતી કે આ અંગે હજુ સુધી કોઈ આખરી નિર્ણય લેવામાં આવ્યો નથી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના ઇન્ટરવ્યુ બાદ આ મામલે સસ્પેન્સ વધી ગયું છે. હવે જોવાનું એ છે કે સરકાર આ બાબતમાં કેવો નિર્ણય લે છે.
પઠાણકોટ હુમલાની બાબતમાં દબાણ લાવવા ભારતે પાંચ દેશનો સાથ લીધો છે. જે પુરાવા પાકિસ્તાનને સોંપવામાં આવ્યા છે તેની એક નકલ યુકે, અમેરિકા, જાપાન, ફ્રાન્સની સાથે દક્ષિણ કોરિયાને પણ આપી છે.

પાકિસ્તાનને લઈને ભવિષ્યની નીતિ અંગે વાતચીત કરતાં ડોભાલે જણાવ્યું હતું કે જ્યાં સુધી પાકિસ્તાન પઠાણકોટના અપરાધીઓ સામે કડક કાર્યવાહી નહીં કરે અને ભારતને તેની કાર્યવાહીથી સંતોષ નહીં થાય ત્યાં સુધી ભારત કોઈ શાંતિ વાર્તા કરશે નહીં. જોકે પાછળથી આ વાતને રદિયો આપ્યો હતો. આમ હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેની વાતચીતના મામલે મોદી સરકારની રાજદ્વારી મુત્સદ્દીગીરીની કસોટી થશે. આ અંગે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વડા પ્રધાન મોદીએ કોઇ એવો નક્કર નિર્ણય લેવો પડશે કે જેના પગલે ફરી વિવાદ છેડાય નહીં.

You might also like