તંગધાર સેક્ટરમાં ભારતીય સેનાએ બે પાકિસ્તાની સૈનિકને ઢાળી દીધા

જમ્મુ, ગુરુવાર
પાકિસ્તાને વધુ એક વાર સરહદ પર યુદ્ધ વિરામ ભંગ કર્યો છે. પાક. દ્વારા બુધવારે રાત્રે કૂપવાડાના તંગધાર સેક્ટરમાં ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો. પાક.ના ગોળીબારના જવાબમાં ભારતીય સેનાએ જડબાંતોડ જવાબ આપીને પાકિસ્તાનના બે સૈનિકને ઠાર માર્યા હતા.

સૂત્રોનાં જણાવ્યા અનુસાર પાકિસ્તાની સેનાએ કૂપવાડા જિલ્લાના તંગધાર સેક્ટરમાં ભારતની ચોકીઓ પર કોઈ પણ જાતની ઉશ્કેરણી વગર ગોળીબાર કર્યો હતો. ભારતીય સૈનિકોએ તેનો જડબેસલાક જવાબ આપ્યો હતો. ભારતીય સેનાના વળતા ગોળીબારમાં બે પાકિસ્તાની સૈનિકો ફુંકાયા હોવાના અહેવાલો છે.

દરમિયાન આજે સવારે જમ્મુ અને કાશ્મીરના બાંદિપોરા જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ જારી છે. સુરક્ષા દળોએ હાજિન સેક્ટરમાં પરિબલ ગામમાં આતંકવાદીઓ હોવાની બાતમી મળ્યા બાદ ગામને ચારે બાજુથી ઘેરી લીધું હતું. સુરક્ષા દળોનાં ઓપરેશન દરમિયાન ત્યાં છુપાયેલા આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું છે અને ત્યાર બાદ અથડામણ શરૂ થઈ હતી. પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે હજુ પણ અથડામણ જારી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગઈ કાલે એલઓસી પર ઉત્તર કાશ્મીરના કરનાહ (તંગધાર) સેક્ટરમાં પાકિસ્તાનના સ્નાઈપર શોટથી બીએસએફનો એક જવાન શહીદ થયો હતો. સંતરી પોસ્ટ પર તહેનાત બીએસએફ જવાન એ.કે. મુર્મુને પાક. તરફથી આવેલ સ્નાઈપર શોટ પેટમાં લાગ્યો હતો અને તે ઘાયલ થઈ ગયો હતો. તેને તરત સારવાર માટે એરલિફ્ટ કરીને સેનાની શ્રીનગર સ્થિત ૯૨ બેઝ હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

બિહારના જમુઈ જિલ્લામાં રહેતો મુર્મુ ૨૦૧૩માં બીએસએફમાં જોડાયો હતો. આ અગાઉ સોમવારે પણ ઉરી સેક્ટરમાં પાક.ના ફાયરિંગમાં ત્રણ નાગરિક ઘાયલ થયા હતા. ત્યાર બાદ આ વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ગઈ કાલે પાકિસ્તાની દળો દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં ભારતીય બાજુએ કોઈ ખુવારી થઈ નથી. ભારતીય સેનાના વળતા ગોળીબારમાં બે પાકિસ્તાની સૈનિકોને ઢાળી દેવામાં આવ્યા હતા.

You might also like