એશિયા કપઃ ત્રણ વખત જોવા મળી શકે છે ભારત-પાક.ના હાઈ વોલ્ટેજ મુકાબલા

મુંબઈઃ તા. ૧૫ સપ્ટેમ્બરથી એશિયા કપનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વખતે ટૂર્નામેન્ટ યુએઈમાં રમાવાની છે. ગત વખત કરતાં આ વખતે વધુ ટીમો ભાગ લઈ રહી છે. આ વખતે ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટ જીતનાર હોંગકોંગને પણ ટૂર્નામેન્ટમાં રમવાની તક મળી છે. આથી આ ‍વખતે કુલ છ ટીમ એશિયા કપમાં રમવાની છે.

આ છ ટીમમાં ભારત, પાકિસ્તાન અને ક્વોલિફાયર હોંગકોંગની ટીમને ગ્રૂપ-એમાં રાખવામાં આવી છે, જ્યારે બીજા ગ્રૂપમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ટીમ છે. ૧૪ દિવસ ચાલનારી આ ટૂર્નામેન્ટની ફાઇનલ ૨૮ સપ્ટેમ્બરે રમાશે. ટૂર્નામેન્ટની બધી મેચ દુબઈ અને અબુધાબીમાં ભારતીય સમય પ્રમાણે સાંજે ૫.૦૦ વાગ્યે શરૂ થશે.

આ વખતના એશિયા કપને જોનારા દર્શકોને ઘણો ફાયદો થઈ શકે છે, કારણ કે જે મેચની તેઓ રાહ જોઈ રહ્યા છે એ મેચ એક નહીં, બલકે ત્રણ-ત્રણ વાર રમાઈ શકે છે. જી હા, અહીં વાત થઈ રહી છે ભારત-પાકિસ્તાન વચ્ચેના હાઈ વોલ્ટેજ મુકાબલાની. આ મુકાબલા ફાઇનલ સહિત ત્રણ વાર જોવા મળે તેવી શક્યતા છે.

એશિયા કપનું ફોર્મેટ અન્ય ટૂર્નામેન્ટ કરતાં થોડું અલગ છે. આ વખતે છ ટીમને ત્રણ-ત્રણનાં બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રૂપની ટોચની ચાર ટીમ સુપર-ફોરમાં સ્થાન મેળવશે. આ સ્ટેજ પરથી આ ચારેય ટીમ સામસામે ટકરાશે. સુપર-ફોરમાં બાકી વધેલી ટોચની બે ટીમ વચ્ચે ફાઇનલ રમાશે.

ટૂર્નામેન્ટમાં ભારત, પાકિસ્તાન અને હોંગકોંગ ગ્રૂપ-એમાં છે. જો મોટો ઊલટફેર ના થાય તો ભારત-પાક. બીજા રાઉન્ડમાં પ્રવેશ કરશે. જો આમ થશે તો આ બંને ટીમ ૨૩ સપ્ટેમ્બરે ફરી સામસામે ટકરાઈ શકે છે. બંને ટીમ પાસે ટૂર્નામેન્ટમાં ત્રીજી વાર ટકરાવાની તક હશે, પરંતુ આના માટે તેમણે ફાઇનલમાં સ્થાન મેળવવું પડશે. ફાઇનલ મેચ ૨૮ સપ્ટેમ્બરે રમાવાની છે.

૧૨૯માંથી બાવન મેચ જીત્યું છે ભારત
ભારત અને પાકિસ્તાન અત્યાર સુધીમાં કુલ ૧૨૯ વાર વન ડે મેચમાં ટકરાઈ ચૂક્યા છે, જેમાં ભારતે બાવન મેચ જીતી છે એટલે કે પાકિસ્તાન સામે ભારતનો સક્સેસ રેટ ૪૧.૬૦ ટકા છે. પાકિસ્તાનના નામે ભારત સામે ૭૩ જીત નોંધાયેલી છે.ર મેચમાં કોઈ પરિણામ આવી શક્યું નહોતું.

હવે એશિયા કપ પર ધ્યાન કેન્દ્રિત કરોઃ રોહિત શર્માએ વીડિયો અપલોડ કર્યો
ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી ગુમાવ્યા બાદ ટીમ ઇન્ડિયાએ હવે એશિયા કપમાં જૂની યાદો ભૂલીને શાનદાર પ્રદર્શન કરવું પડશે. આગામી શનિવારથી શરૂ થઈ રહેલા એશિયા કપમાં રોહિત શર્માને ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં કંગાળ પ્રદર્શન કરનારા શિખર ધવનને વાઇનસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

આ ટૂર્નામેન્ટ શરૂ થતાં પહેલાં રોહિત શર્માએ ટીમને એક ખાસ સંદેશ આપ્યો છે. રોહિતે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો અપલોડ કર્યો છે, જેમાં તે નેટમાં બેટિંગ પ્રેક્ટિસ કરી રહ્યો છે. એ વીડિયો તેણે ભારતીય ટીમના ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચમાં થયેલા પરાજય બાદ પોસ્ટ કર્યો છે.

વીડિયો અપલોડ કરતાં રોહિતે લખ્યું છે, ”કિટ ઉઠાવો, બેટ ઉઠાવો અને નવા મિશન એશિયા કપ પર ધ્યાન કેન્દ્રિત કરો.” કોહલીની ગેરહાજરીમાં રોહિતે મહત્ત્વપૂર્ણ જવાબદારી નિભાવવાની છે.

You might also like