મોદી પાકિસ્તાન-મુસલમાન બંને વિરુદ્ધ છેઃ પરવેઝ મુશર્રફ

નવી દિલ્હી: પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે ભારત સામે નિશાન તાકયું છે. તેમણે એવો આક્ષેપ કર્યો છે કે ભારતનું વલણ નકારાત્મક છે. તેમણે ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે નિશાન તાકતાં જણાવ્યું હતું કે મોદી પાકિસ્તાન સાથે મૈત્રીભર્યા સંબંધો લઇને આગળ વધી રહ્યા નથી. મુશર્રફે આ અગાઉ પણ નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા. પાકિસ્તાનમાં આપેલા ઇન્ટરવ્યૂમાં મુશર્રફે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કરતાં જણાવ્યું છે કે મોદી પાકિસ્તાન અને મુસ્લિમો સામે વેર વાળી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે અમે ભાજપ અને કોંગ્રેસ બંને સાથે કામ કર્યું છે. એ વખતે ભારતમાં અત્યારે છે તેવી સ્થિતિ ન હતી. અત્યારે જે કંઇ થઇ રહ્યું છે તે પક્ષનો નહીં, પરંતુ વ્યકિતગત મુદ્દો છે.

મુશર્રફે ભારત સરકારની નીતિ સામે સવાલ ઉઠાવતાં જણાવ્યું છે કે મોદીનું વલણ મૈત્રીભર્યું નથી. ભારત નકારાત્મક વલણ ન અપનાવે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનને લઇને મોદી સરકાર જે વલણ અપનાવી રહી છે તે બિલકુલ યોગ્ય નથી. તેમણે આશા વ્યકત કરી હતી કે ભાજપ સરકારને એક દિવસ સદ્બુદ્ધિ આવશે અને તે ભારતમાં પાકિસ્તાન વિરોધ અને ધાર્મિક અસહિષ્ણુતા હોવા છતાં પાકિસ્તાન સાથે વાતચીત જારી રાખશે.

મુશર્રફે મોદી સામે સવાલ ઉઠાવતાં જણાવ્યું હતું કે ભારતમાં એક એવા વડા પ્રધાન આવી ગયા છે જેમને ખબર નથી કે પાકિસ્તાન વિરુદ્ધ અને મુસ્લિમો વિરુદ્ધ શું છે? વાસ્તવમાં મોદી પાકિસ્તાન અને મુસલમાન બંને વિરુદ્ધ છે.

ભારત હવે પઠાણકોટ હુમલામાં ઈન્ટરપોલની મદદ લેશે
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પઠાણકોટ હુમલા દરમિયાન માર્યા ગયેલા ચાર આતંકીઓની ઓળખ સુનિશ્ચિત કરવા માટે ભારત ઇન્ટરપોલની મદદ લેશે. આ ઉપરાંત ગૃહ મંત્રાલયના પ્રવકતા અનુસાર પઠાણકોટ હુમલાની તપાસ કરી રહેલી સુરક્ષા એજન્સીઓને એન્કાઉન્ટર સ્થળેથી એક વધુ મોબાઇલ, એક ૪૭નું કારતુસ અને એક બાયનોકયુલર મળી આવ્યું છે. જેનો ઉપયોગ આતંકીઓ દ્વારા કરવામાં આવ્યો હતો.

ગૃહ મંત્રાલયે પોતાના એક નિવેદનમાં જણાવ્યું છે કે એનઆઇએની ટીમ પઠાણકોટ એરબેઝની અંદર અને બહારના સાક્ષીઓની પૂછપરછ કરી રહી છે. બીજી બાજુ પંજાબ પોલીસના એસપી સલવિંદરસિંહની સતત નિવેદનો બદલવાના આરોપસર તત્કાળ ધરપકડ કરવામાં આવી હતી. સલવિંદરની સાથે તેનાે મિત્ર રાજેશ વર્મા અને રસોયા મદન ગોપાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ૩૧ ડિસેમ્બરની રાત્રે એરબેઝમાં ઘૂસતાં પહેલાં આતંકીઓએ તેમને બંધક બનાવ્યા હતા. એનઆઇએએ પઠાણકોટ હુમલામાં ત્રણ કેસ દાખલ કર્યા છે.

You might also like