ભારત NSGનો બદલો લેશે નહીંઃ MTCRમાં ચીનને સમર્થન આપશે

નવી દિલ્હી: ભારતે વધુ એક વખત ઉદારતાનો નમૂનો પૂરો પાડ્યો છે. ચીનના કારણે ભારતને ભલે ન્યુક્લિયર સપ્લાયર ગ્રૂપ (એનએસજી)માં સ્થાન ન મળી શકયું હોય, પરંતુ ભારત ચીન સામે બદલાની ભાવનાથી કોઇ કાર્યવાહી કરશે નહીં. ભારતનું કહેવું છે કે ચીને ભલે એનએસજીમાંં ભારતના પ્રવેશને રોક્યો હોય, પરંતુ ભારત મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રેજીમ (એમટીસીઆર)માં ચીનના પ્રવેશને રોકવાની કોશિશ કરશે નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતને તાજેતરમાં જ એમટીસીઆરમાં સ્થાન પ્રાપ્ત થયું છે. ચીન હજુ સુધી આ ક્લબમાં સ્થાન પ્રાપ્ત કરી શક્યું નથી. વિદેશ મંત્રાલયના પ્રવકતા વિકાસ સ્વરૂપે જણાવ્યું હતું કે એકબીજાના હિત અને પ્રાથમિકતાઓ ચીન અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવાનો આધાર છે.

વિકાસ સ્વરૂપને જ્યારે પૂછવામાં આવ્યું કે શું ભારત એમટીસીઆરમાં ચીનનો પ્રવેશ રોકવાની કોશિશ કરશે કે કેમ? ત્યારે તેમણે જણાવ્યું હતું કે ભારત આ પ્રકારના ડીલ મેકિંગ એપ્રોચમાં માનતું નથી. ભારતને એમટીસીઆરમાં અણુઅપ્રસારની બાબતમાં તેના શાનદાર રેકર્ડના કારણે સ્થાન પ્રાપ્ત થયું છે. કોઇ પણ દેશની અરજી તેના મેરિટના આધારે નક્કી કરવામાં આવતી હોય છે.

You might also like