ભારત-ન્યૂઝીલેન્ડની ચોથી વન ડેમાં વરસાદનું જોખમ

રાંચીઃ જેએસસીએ સ્ટેડિયમમાં રમાનાર ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ચોથી વન ડે પર વરસાદનું જોખમ મંડરાઈ રહ્યું છે. હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલા દબાણને કારણે ઝારખંડમાં વરસાદ પડવાની શક્યતા છે. ઝારખંડ રાજ્ય ક્રિકેટ સંઘ (જેએસસીએ)એ વરસાદ સામે કામ પાર પાડવા સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. વરસાદને કારણે વર્ષ ૨૦૧૩માં આ જ મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ પૂરી રમાઈ શકી નહોતી. એ સમયે આખા મેદાનને કવર કરવાની વ્યવસ્થા નહોતી. હવે આખા મેદાનને કવર કરવાની સંપૂર્ણ વ્યવસ્થા કરી લેવામાં આવી છે, આથી હળવા વરસાદથી મેચ રદ થવાની શક્યતાઓ બહુ જ ઓછી છે.

આ મેદાન પર ન્યૂઝીલેન્ડની ટીમ પહેલી વાર રમશે. એ પણ એક સંયોગ જ છે કે ભારત અહીં જેટલી પણ વન ડે રમ્યંુ છે એ બધી અલગ અલગ દેશ સામે રમ્યું છે. આવતી કાલની વન ડે જે પીચ પર રમાવાની છે તેમાંથી બેટ્સમેન અને બોલર બંનેને મદદ મળી રહેશે. પીચ ક્યુરેટર બાસુ દાએ જણાવ્યું કે શરૂઆતમાં પીચમાંથી બોલર્સને મદદ મળશે, બાદમાં પીચ બેટિંગ માટે અનુકૂળ બની રહેશે.

You might also like