દેશના ૫૮ જિલ્લામાં મેડિકલ કોલેજ બનાવવામાં આવશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રમાં મેડિકલ કોલેજોની ખામી દૂર કરવા યોજના બનાવી છે, જેમાં આગામી દિવસોમાં દેશના ૫૮ જિલ્લામાં મેડિકલ કોલેજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ટેકનિકલ ઈવેલ્યુઅેશન કમિટીના અહેવાલ મુજબ અેક મેડિકલ કોલેજ બનાવવા પાછળ ૧૮૯ કરોડનો ખર્ચ થશે. કેન્દ્રની સ્પોન્સર્ડ સ્કીમ હેઠળ આ યોજનામાં કુલ ફંડની ૭૫ ટકા ગ્રાન્ટ કેન્દ્ર સરકાર આપશે. જ્યારે ૨૫ ટકા ગ્રાન્ટ રાજ્ય સરકારે આપવાની રહેશે. કેન્દ્ર સરકાર જાહેર ક્ષેત્રમાં મેડિકલ કોલેજોની સંખ્યા વધારવા માગે છે અને તેમાં વિદ્યાર્થીઓ ઓછા ખર્ચમાં મેડિકલની ડિગ્રી મેળવી શકશે. હાલ આવી કોલેજોની ઓછી સંખ્યાના કારણે વિદ્યાર્થીઓને ખાનગી કોલેજોમાં લાખોની ફી ભરીને અભ્યાસ કરવો પડે છે ત્યારે આ યોજના હેઠળ દેશમાં ડોકટરોની સંખ્યામાં પણ વધારો થશે તેમજ નવી મેડિકલ કોલેજ શરૂ થતાં નવી નોકરીઓમાં પણ વધારો થશે.

કેન્દ્ર સરકારની યોજના અનુસાર આરોગ્ય મંત્રાલય દ્વારા ૫૮ શહેરમાં અગાઉ બનાવવામાં આવેલી જિલ્લાની હોસ્પિટલને અપગ્રેડ કરી તેને મેડિકલ કોલેજમાં ફેરવવામા આવશે, જેમાં જિલ્લા હોસ્પિટલની પસંદગી કરતી વખતે અે બાબત ધ્યાનમાં રાખવામાં આવશે કે તેમાં ઓછામાં ઓછી ૨૦ બેડની સુવિધા છે કે નહિ. આ માટે શહેર અને હોસ્પિટલ પસંદ કરવાની જવાબદારી કેન્દ્ર સરકારની રહેશે, તેમાં રાજય સરકારની પણ મદદ લેવામાં આવશે. કેન્દ્ર તરફથી જે ૫૮ શહેરની પસંદગી થશે તે અલગ અલગ રાજ્યમાંથી કરવામાં આવશે, જેમાં એવાં શહેર પસંદ કરવામાં આવશે કે જ્યાં મેડિકલ કોલેજ ન હોય.

આ કેન્દ્ર સરકાર આધા‌િરત સ્કીમ છે, જેમાં ગ્રાન્ટનો રેશિયો ૭૫ઃ૨૫ રહેશે. આ માટેની ૭૫ ટકા ગ્રાન્ટ કેન્દ્ર સરકાર આપશે. જ્યારે બાકીની ૨૫ ટકા રકમ રાજ્ય સરકાર આપશે. આ સ્કીમમાં ઉત્તર-પૂર્વ અને સ્પેશિયલ કેટેગરીમાં આવતાં રાજ્યને કેન્દ્ર સરકાર ૯૦ ટકા ફંડ આપશે. જ્યારે ૧૦ ટકા રકમ રાજ્ય સરકાર આપશે.

કેન્દ્ર સરકાર તરફથી મેડિકલ કોલેજ માટે આપવામાં આવતી ગ્રાન્ટ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે, તેમાં કોલેજનું માળખું તૈયાર કરતી વખતે બે વખત ગ્રાન્ટ આપવામાં આવશે તેમજ બાંધકામ બાદ અન્ય સાધન-સામગ્રીની ખરીદી માટે ત્રીજો હપ્તો આપવામાં આવશે. કેન્દ્ર સરકારે અેક મેડિકલ કોલેજ બનાવવા માટે ૧૮૯ કરોડનો અંદાજ લગાવ્યો છે.

You might also like