ટીમ ઇન્ડિયાના ટોચના ક્રમે સારું પ્રદર્શન કરવું જ પડશે

બેંગલુરુઃ પોતપોતાની પહેલી મેચમાં પરાજયનો સામનો કર્યા બાદ ભારત અને ઈંગ્લેન્ડે બહુ જ શાનદાર રીતે વાપસી કરીને ખુદને સેમિફાઇનલની રેસમાં જાળવી રાખ્યા છે, જોકે હજુ બે મેચ બાકી છે અને એવું પણ નથી કે ભારત એ બંને મેચ જીતી લઈને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી જ લેશે. ભારતે ફરી એક વાર પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે.

ભારતીય ટીમને પોતાના ટોચના ક્રમ પાસેથી વધુ સારા યોગદાનની અપેક્ષા છે. વિરાટ કોહલીએ દેખાડી આપ્યું છે કે ટી-૨૦ ફક્ત ઊંચા શોટ્સની રમત નથી. સ્પિનર્સને મદદરૂપ થતી વિકેટ પર મોટા શોટ રમવા આસાન નથી હોતા. બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની પીચ આવી જ છે, જ્યાં ઉછાળ સારો એવો છે. હાલમાં રન રેટના મામલે ભારતીય ટીમ ઘણી પાછળ છે. આ સ્થિતિમાં ટીમ ઇન્ડિયાએ સુધારો લાવવો પડશે. જોકે ભારતની પ્રાથમિકતા મેચ જીતવાની જ રહેશે અને ત્યાર બાદ નેટ રન રેટ પર ધ્યાન આપવું પડશે. જ્યારે સામા પક્ષે બાંગ્લાદેશનું પ્રદર્શન જોતાં એવું લાગી રહ્યું છે કે તેઓ પણ આસાનીથી હાર નહીં માને. હવે બાંગ્લાદેશની ટીમ પહેલાં કરતાં સારી એવી મજબૂત લાગી રહી છે.

ભારતનો બેટિંગક્રમ મજબૂત છે, જેનું નેતૃત્વ વિરાટના હાથમાં છે. આ જ કારણે ટીમ ઇન્ડિયાનું પલડું સ્પષ્ટ રીતે ભારે દેખાઈ રહ્યું છે અને બાંગ્લાદેશી બોલર્સ માટે વિરાટને રોકવા અને આઉટ કરવામાં ઘણી મુશ્કેલી પેદા થશે. ભારત માટે ચિંતાનો વિષય ફક્ત ઓપનર શિખર ધવન, રોહિત શર્મા અને સુરેશ રૈનાનું ફોર્મ છે, કારણ કે અત્યાર સુધીની બે મેચમાં આ ત્રણેય ખેલાડી રન બનાવી શક્યા નથી. ઘરઆંગણાની પરિસ્થિતિમાં રમવાથી આ ત્રિપુટીના જલદી ફોર્મમાં પાછા ફરવાની તથા ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વિરુદ્ધ પોતાની નિષ્ફળતા ભરપાઈ કરી દેવાની આશા રાખવામાં આવી રહી છે. યુવી પણ ધીમે ધીમે પોતાના અસલી ફોર્મમાં આવતો જાય છે.

એશિયા કપની ફાઇનલમાં પહોંચીને સનસનાટી મચાવી દેનારી બાંગ્લાદેશની ટીમ ટી-૨૦ વર્લ્ડકપના મુખ્ય ડ્રોમાં નબળી સાબિત થઈ. પરિસ્થિતિને જોતાં બાંગ્લાદેશનાે કેપ્ટન મૂર્તઝાની નજર શકીબ અલ હસન અને મહંમદુલ્લાહના ઓલરાઉન્ડર પ્રદર્શન પર રહેશે. બાંગ્લાદેશની થિન્ક ટેન્ક તમિમ ઇકબાલની વાપસી પર પણ વિચારણા કરી રહી છે, જે સારા ફોર્મમાં છે. બાંગ્લાદેશી ટીમ પોતાનાે ઓપનર સૌમ્ય સરકાર પોતાના અસલી ફોર્મમાં આવે તેની રાહ જોઈ રહી છે. બાંગ્લાદેશ માટે એક સારી વાત એ છે કે મુસ્તફિજુર રહેમાન ઈજામાંથી બહાર આવી ગયો છે.

You might also like