પાક.નો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજજો પરત ખેંચાશે?

નવી દિલ્હી: ઉરી પરના આતંકવાદી હુમલા બાદ હવે ભારત પાકિસ્તાન પર બેવડો કૂટનીતિક એટેક કરવા તૈયારી કરી રહ્યું છે, જેમાં ભારત તરફથી પાકિસ્તાનને મળેલો મોસ્ટ ફેવર્ડ નેશન (એમએફએન)નો દરજ્જો પરત ખેંચી લેવામાં આવે તેવી શક્યતા વધુ પ્રબળ બની રહી છે. આ ઉપરાંત ભારત સિંધુ જળસંધિ પણ રદ કરી શકે તેમ છે.

આ અંગે કેન્દ્રીય નાણાં રાજ્યપ્રધાન અર્જુન મેઘવાલે જણાવ્યું હતું કે ઉરી પરના હુમલા બાદ ભારતમાં સતત પાકિસ્તાન સામે કાર્યવાહી કરવાની માગણી થઈ રહી છે ત્યારે આવી સ્થિતિમાં ભારત સરકારે પાકિસ્તાન માટે મુસીબત ઊભી થઈ શકે તેવા કેટલાક નિર્ણય લેવાની દિશામાં કાર્યવાહી અને આયોજનની તૈયારી કરી લીધી છે. તેમણે જણાવ્યું કે આવા બંને નિર્ણયથી પાકિસ્તાનની આર્થિક અને સામાજિક સ્થિતિ પર વિપરીત અસર પડશે. મેઘવાલે વધુમાં જણાવ્યું કે ભારત સરકાર પાસે એમએફએન પર વિચાર કરવાનો પ્રસ્તાવ પહેલાંથી જ બની ચૂક્યો છે.

આ અગાઉ પણ ભારત સરકાર પાકિસ્તાનને વેરવિખેર કરી નાખવાની ધમકી આપી ચૂકી છે. તેમણે જણાવ્યું કે ભારત વેપાર સંબંધો કરતાં દેશની સુરક્ષાને વધુ મહત્ત્વ આપે છે. તેમણે જણાવ્યું હતું કે આ અગાઉ જ્યારે પાકિસ્તાનને આવો દરજજો આપવામાં આવ્યો હતો ત્યારે પરિસ્થિતિ અલગ હતી, પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. એક અહેવાલ મુજબ આવું પહેલી વાર બન્યું છે કે જ્યારે ભારત પાક.ના એમએફએન સ્ટેટસને રિવ્યૂ કરી રહ્યું છે. કારણ પાકિસ્તાન સતત ભારતને નુકસાન થાય તેવી પ્રવૃત્તિ કરી રહ્યું છે. આ અગાઉ સુબ્રમણ્યમ સ્વામી સહિત ભાજપના અનેક નેતા અને નિવૃત્ત સૈનિક એમએફએનનો દરજ્જો પરત ખેંચી લેવા સરકારને અપીલ કરી ચૂક્યા છે.

શું છે એમએફએન સ્ટેટસ….
વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન અને ઈન્ટરનેશનલ ટ્રેડ નિયમોને લઈને એમએફએન સ્ટેટસ આપવામાં આવે છે. આવું સ્ટેટસ મળવાથી એક દેશ બીજા દેશ પર એ વાતનો ભરોસો રાખે છે કે એકબીજા દેશ તેમને વેપારમાં નુકસાન નહિ પહોંચાડે. ભારતે 1996માં પાકિસ્તાનને આવો દરજજો આપ્યો હતો અને તેના કારણે પાકિસ્તાનને વધુ આયાતનો ક્વોટા અને ઓછો ટ્રેડ ટેરિફ મળે છે.

You might also like