એર સ્પેસ બંધ હોવાથી ભારતે જુનિયર ડેવિસ કપ અને ફેડ કપની યજમાની ગુમાવી

(એજન્સી) નવી દિલ્હી: બાલાકોટ હવાઈ હુમલા બાદ પાકિસ્તાનનો એર સ્પેસ બંધ હોવાના કારણે ભારતે જુનિયર ડેવિસ કપ અને ફેડ કપ ટેનિસ ટૂર્નામેન્ટની યજમાની ગુમાવી દીધી છે. ટેનિસનો વર્લ્ડકપ કહેવાતી અંડર-૧૬ ડેવિસ કપમાં ભાગ લેવા પાકિસ્તાન સહિત ૧૬ ટીમ ભારત આવવાની હતી. જુનિયર ડેવિસ કપ ટૂર્નામેન્ટ ૮થી ૧૩ એપ્રિલ દરમિયાન અને ફેડ કપ ટૂર્નામેન્ટ ૧૫થી ૨૦ એપ્રિલ દરમિયાન યોજાવાની હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનનો એર સ્પેસ એ સમયે બંધ હતો અને ભારતનાં એરપોર્ટ્સ પણ એલર્ટ પર હતાં. કોઈ જાણતું નહોતું કે આવી પરિસ્થિતિ ક્યાં સુધી રહેશે, આથી ટૂર્નામેન્ટને અન્યત્ર યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો. હવે આ બંને ટૂર્નામેન્ટ બેંગકોકમાં યોજાશે. હવાઈ ક્ષેત્ર બંધ હોવાથી વિમાન અન્ય રૂટ પરથી આવી રહ્યાં છે, જેના કારણે વિમાન ભાડાં અને યાત્રાનો સમય વધી રહ્યો છે.

You might also like