ભારત આતંકવાદથી પ્રભાવિત ત્રીજો દેશ, માઓવાદી ચોથું ખતરનાક આતંકી સંગઠન

નવી દિલ્હી: સતત બીજા વર્ષે ભારત આતંકવાદ પ્રભાવિત દેશોમાં ઇરાક અને અફઘાનિસ્તાન બાદ ત્રીજા નંબરે છે, જ્યારે ઇસ્લામિક સ્ટેટ, તાલિબાન અને અલ શબાબ બાદ સીપીઆઇ-માઓવાદી ચોથો સૌથી ખતરનાક આતંકી સમૂહ માનવામાં આવે છે.

અમેરિકી વિદેશ મંત્રાલય તરફથી ગઇ કાલે જારી કરાયેલા આંકડામાં આ વાત સામે આવી છે. ઉલ્લેખનીય છે કે ર૦૧પમાં પાકિસ્તાન આતંકથી ત્રીજો સૌથી પ્રભાવિત દેશ રહ્યો. અમેરિકી વિદેશ મંત્રાલય તરફથી આતંકવાદ માટે કરાયેેલા અભ્યાસમાં દાવો કરાયો છે કે જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાની સંખ્યામાં ર૪ ટકાનો વધારો થયો છે.

આ હુમલામાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં ૮૯ ટકાનો વધારો થયો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં ર૦૧૭માં થયેલા ૮૬૦ આતંકી હુમલામાંથી રપ ટકા હુમલા માત્ર જમ્મુ-કાશ્મીરમાં થયા છે.

બીજી તરફ ભારતીય અધિકારીઓનું કહેવું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે આતંકવાદને લઇને મોટું અંતર છે. એક અધિકારીએ જણાવ્યું કે અહીં ભારતમાં મોટા ભાગની આતંકી ગતિવિધિઓને સમર્થન પાકિસ્તાનમાંથી મળે છે. અહીં યોજના બને છે અને પાકિસ્તાની એજન્સી તથા સેેના તેનું સમર્થન કરે છે. જ્યારે પાકિસ્તાન એ આતંકી સંગઠનોના હુમલા સહન કરી રહ્યું છે, જેને તેણે જ દાયકાઓ સુધી પ્રોત્સાહન આપ્યું છે.

સીપીઆઇ-માઓવાદીને વિશ્વનું ચોથું સૌથી ખતરનાક સંગઠન ગણાવતાં અમેરિકી અભ્યાસમાં કહેવાયું છે કે ભારતમાં પ૩ ટકા હુમલામાં તેમનો જ હાથ હોય છે. સંખ્યાની વાત કરવામાં આવે છે કે ર૦૧૬-૧૭ વચ્ચે માઓવાદી હુમલામાં ઘટાડો થયો છે.

You might also like