ભારત દુનિયામાં સૌથી ઝડપથી વિકસતું ઓટોમોબાઈલ માર્કેટ

ગઇ સાલ વિહિકલની સંખ્યાની દૃષ્ટિએ દુનિયામાં ભારત સૌથી ઝડપથી વિકસતું ઓટોમોબાઇલ માર્કેટ બન્યું છે. ફ્યુઅલ પ્રાઇલ, ઇન્ટરેસ્ટ રેટ અને ઇન્સ્યોરન્સ કોસ્ટ વધવાથી દેશમાં વિહિકલની ડિમાન્ડ પર અસર પડી હતી તેમ છતાં ઓટોમોબાઇલ પ્રોડક્શનમાં વધારો થયો છે.

વર્ષ ૨૦૧૮માં ગ્લોબલ ઓટોમોબાઇલ પ્રોડક્શન એક દાયકામાં પ્રથમ વાર ૧.૧ ટકા ઘટીને ૯,૫૬,૩૪,૫૯૩ વિહિકલનું ઉત્પાદન થયું હતું. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (ઓઆઇસીએ)ના ડેટા અનુસાર ભારતમાં ઓટોમોબાઇલ પ્રોડક્શન (પેસેન્જર એન્ડ કોમર્શિયલ વિહિકલ) ટોપ ટેન દેશોમાં સૌથી વધુ વધ્યું છે.

આ ગઇ સાલ આઠ ટકાના વધારા સાથે લગભગ ૫૧.૭ લાખ વિહિકલનું ઉત્પાદન થયું છે. બીજા સ્થાને ૫.૨ ટકાના ગ્રોથ સાથે બ્રાઝિલ ૨૮.૭ લાખ યુનિટ સાથે રહ્યું છે. ચીનમાં ઓટોમોબાઇલ પ્રોડક્શન ૪.૨ ટકા ઘટીને ૨.૭૮ કરોડ યુનિટ રહ્યું હતું.

ભારતમાં વિહિકલ્સનું પ્રોડક્શન ૨.૮ ટકા વધીને ૪૦,૬૪,૭૭૪ યુનિટ અને કોમર્શિયલ વિહિકલનું ૩૪ ટકા વધારા સાથે ૧૧,૦૯,૮૭૧ યુનિટ રહ્યું હતું. એવેન્ટમ પાર્ટનર્સના એમડી વી.જી. બાલાકૃષ્ણને જણાવ્યું હતું કે પ્રોડક્શનમાં આ ગ્રોથ પાછળ ખાસ કરીને કોમર્શિયલ વિહિકલના સેલ્સમાં થયેલ વધારો કારણભૂત છે.

મારુતિ અલ્ટો નંબર વન પર
મારુતિ સુઝુકી ઇન્ડિયાની હેચબેક કાર અલ્ટો ૨૦૧૮-૧૯માં સૌથી વધુ વેચાણ થયેલ પેસેન્જર કાર રહી હતી. બજારમાં સૌથી વધુ વેચાયલ ૧૦ પેસેન્જર વિહિકલમાંથી સાત મારુતિ સુઝુકીની અને ત્રણ હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિ.ની કાર હતી. ૨૦૧૮-૧૯માં અલ્ટોની ૨,૫૯,૪૦૧ ગાડીઓ વેચાઇ હતી. આમ, તેણે પ્રથમ સ્થાન અકબંધ રાખ્યું હતું.

You might also like