નકસલીઓ સાથે મળી ભારતમાં આતંક ફેલાવવાનું ISનું ષડયંત્ર

મુંબઈ: ભારતની આતંકવાદી વિરોધી એજન્સીઓએ ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ના ઈરાક અને સિરિયાના હુમલાખોરો દ્વારા ભારતમાં આતંકવાદી હુમલા કરવાના ષડ્યંત્રને નિષ્ફળ બનાવી દીધું છે. ભારતમાં પકડાયેલા આઈએસના સભ્યોએ કબૂલાત કરી છે કે તેઓ નક્સલી સંગઠનો સાથે મળીને ભારતમાં હુમલો કરવા માગતા હતા.

રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) અને વિવિધ રાજ્યની એટીએસની ટીમે થોડા મહિના પહેલાં આઈએસ અથવા ભારતીય વિંગ અનસુર–ઉત-ત્વાહિદ બિલાલ અલ હિંદના 20 શકમંદની ધરપકડ કરી હતી. મહારાષ્ટ્ર એટીએસએ માલવાણી વિસ્તારના જે ચાર યુવકની ધરપકડ કરી છે. તે ઈરાક અને સિરિયામાં આઈએસમાં ભરતી થવા ઘેરથી ભાગ્યા હતા. એનઆઈએ, આઈબી અને મહારાષ્ટ્ર એટીએસની તપાસ બાદ જાણવા મળ્યું કે આઈએસની ભારતીય શાખાના અનસુર-ઉત-ત્વાહિદ બિલાલ અલ હિંદના પ્રમુખ અને બાજા નંબરના કમાન્ડર ખા‌િલદ અહેમદ ઉર્ફે રિઝવાને આતંકવાદ ફેલાવવાનું ષડ્યંત્ર રચ્યું હતું. આ બંનેએ જણાવ્યું હતું કે તેમના સંગઠનની ગુપ્ત બેઠક લખનૌમાં મળી હતી.

મહારાષ્ટ્ર એટીએસના જણાવ્યા અનુસાર લખનૌની આ બેઠકમાં ભારતમાં અનેક જગ્યાએ આઈએસના આતંકવાદી હુમલા કરવાનું ષડ્યંત્ર રચવામાં આવ્યું હતું. સાથોસાથ અેમ પણ જણાવવામાં આવ્યું હતું કે આ કામમાં નકસલી નેટવર્કની મદદ લેવામાં આવે. ડિસેમ્બરના અંતમાં મળેલી આ બેઠકમાં છત્તીસગઢ અને આંધ્રના નકસલીઓની વિસ્ફોટક સામગ્રી અને આતંકવાદી તાલીમ માટે મદદ લેવા નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં મુદાબીર શેખ સહિત આઈએસના આઠ સભ્ય સામેલ હતા. ત્યાર બાદ આ સભ્યોમાંથી અખલાક-ઉર-રહેમાન, મહંમદ મેહરાજ અને મહંમદ આઝમની હરદ્વારના મેળામાં આતંકવાદી હુમલો કરવાના ષડ્યંત્રમાં ધરપકડ કરવામાં આવી હતી.

આઈએસના આતંકવાદીઓએ તાલીમ શિબિર માટે કર્ણાટક અને આંધ્રના જંગલોનાં સ્થળ નક્કી કર્યાં હતાં. પકડાયેલા આઈએસના આતંકવાદીઓએ જણાવ્યું કે ઈરાક અને સિરિયાથી આદેશ હતો કે તમામ આતંકવાદી સમગ્ર ભારતમાં પૂરી તાકાતથી ફિદાયીન હુમલો કરે. હુમલા બાદ આઈએસ તેની જવાબદારી લઈ લેશે. આ હુમલામાં વિદેશીઓ સાથે આઈએસ વિરુદ્ધ વિચારસરણી ધરાવતા મુસ્લિમોને પણ નિશાન બનાવવા આદેશ અપાયો હતો.

You might also like