FATF દ્વારા પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરાવવાની તૈયારીમાં ભારત

(એજન્સી) શ્રીનગર: પુલવામામાં આતંકી હુમલો થયા બાદ ભારત ફાઇનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ને પાકિસ્તાન વિરુદ્ધ દસ્તાવેજ સોંપવાની તૈયારી કરી રહ્યું છે. એફએટીએફ આંતરરાષ્ટ્રીય સ્તરે ટેરર ફંડિંગનું મોનિટરિંગ કરે છે. ભારત પાકિસ્તાન વિરુદ્ધ દસ્તાવેજ સોંપીને પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરવાની તૈયારીમાં છે.

પુલવામામાં જૈશ-એ-મોહંમદના ફિદાઇન હુમલા બાદ દેશની સુરક્ષા એજન્સીઓ પાકિસ્તાન વિરુદ્ધ મજબૂત પુરાવાઓ એકત્ર કરી રહી છે કે જેથી એફએટીએફમાં પાકિસ્તાનને બેનકાબ કરી શકાય. જૈશ પાકિસ્તાન પ્રેરિત આતંકી સંગઠન છે. જેનો વડો મૌલાના મસૂદ અઝહર છે. સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે આ દસ્તાવેજમાં જૈશના પાકિસ્તાન સાથેના સંબંધોનો પર્દાફાશ કરવામાં આવશે અને એવું જણાવવામાં આવશે કે આ આતંકી સંગઠનને પાકિસ્તાન તરફથી મદદ મળી રહી છે.

આ દસ્તાવેજમાં જૈશના તાજેતરના પુુલવામા આતંકી હુમલા સહિત અગાઉના તમામ હુમલાઓનો સંપૂર્ણ અહેવાલ આપવામાં આવશે. એફએટીએફ ઉપરાં ભારત આ દસ્તાવેજ પાકિસ્તાનને પણ સોંપશે કે જેથી તે આગળની કાર્યવાહી કરી શકે. ભારત એફએટીએફ પર પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરવાનું દબાણ કરશે. પેરિસ સ્થિત આ વૈશ્વિક આર્થિક સંગઠનની બેઠક ૧૭થી રર એપ્રિલ સુધી ચાલશે. જેમાં કેટલાય દેશોના પ્રતિનિધિઓ સામેલ થશે.

એફએટીએફમાં બ્લેક લિસ્ટ થવાનો અર્થ એ થશે કે પાકિસ્તાન દુનિયામાં આતંકવાદ વિરુદ્ધની લડાઇમાં સહયોગ કરી રહ્યું નથી. તેમાં ટેરર ફંડિંગ અને મની લોન્ડરિંગને ધ્યાનમાં રાખીને કોઇ પણ દેશને બ્લેકલિસ્ટ કરવાની જોગવાઇ છે. પાકિસ્તાન જો બ્લેક લિસ્ટ થશે તો આઇએમએફ, વર્લ્ડ બેન્ક, એડીબી, ઇયુ, મુડીઝ, એસ એન્ડ પી અને ફીચ જેવી આર્થિક સંસ્થાઓ પાકિસ્તાનને તેની સાથે બિઝનેસ કરવા માટે ખતરનાક યાદીમાં મૂકી દેશે. જુલાઇ-ર૦૧૮માં એફએટીએફ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂકી ચૂકયું છે.

હાલ આ સંસ્થામાં ૩પ દેશ અને બે પ્રાદેશિક સંગઠન-યુરોપીયન કમિશન અને ગલ્ફ કો.ઓપરેશન કાઉન્સિલ સામેલ છે. ઉત્તર કોરિયા અને ઇરાન એફએટીએફમાં પહેલેથી જ બ્લેક લિસ્ટ છે.

You might also like