‘ભારતીય હોવાનું ગૌરવ છે’ આમિર ખાનનો નબળો બચાવ

મુંબઈ : ભારતમાં અસહિષ્ણુતા વધી રહી છે તેવા નિવેદનને લઈને વિવાદના ઘેરામાં આવી ગયા બાદ અને વ્યાપક ટિકાટિપ્પણીનો સામનો કર્યા બાદ આમિર ખાને આજે ખુલાસો કરતા કહ્યું હતું કે, તે દરેક બાબત ઉપર મક્કમ છે. આમિર ખાને કહ્યું હતું કે અસહિષ્ણુતા અંગે તેની ટિપ્પણી ઉપર તે કાયમ છે. પરંતુ સાથે-સાથે એક ભારતીય હોવાનું ગૌરવ પણ અનુભવ કરે છે. આમિર ખાનની આ નબળી પ્રતિક્રિયા સામાન્ય લોકોને ગળે ઉતરે તેવી દેખાઈ રહી નથી અને તેની સામે દિન પ્રતિદિન લોકોનો રોષ વધી રહ્યો છે.
તેને પાકિસ્તાન ભેગો કરી દેવાની માંગ ભારતીય લોકો દ્વારા કરવામાં આવી રહી છે. આજે સોશિયલ મીડિયામાં પણ આમિર ખાનને દેશવિરોધી ગણાવીને તેની ઝાટકણી લોકોએ કાઢી હતી. તેની ટિકા ટિપ્પણીથી હચમચી ઉઠેલા આમિર ખાને પોતાનો નબળો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે તેને ભારતીય હોવાનું ગર્વ છે. સાથે-સાથે ભારત છોડવાની પણ તેની કોઈ યોજના નથી. જોકે દેશમાં અસહિષ્ણુતા વધી રહી છે તેવી ટિપ્પણી ઉપર કાયમ રહેતા આમિર ખાનને હજુ મુશ્કેલીનો સામનો કરવો પડે તેવા સંકેત દેખાઈ રહ્યા છે.
એક નિવેદનમાં આમિર ખાને કહ્યં છે કે, જે કંઈપણ કહ્યું છે તે બાબત પર તે કાયમ છે. મનની વાત કરવા બદલ તેની સામે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. આ કહેતા દુઃખ થઈ રહ્યું છે કે તેના અભિપ્રાયને જુદી રીતે લેવામાં આવી રહ્યો છે. આમિર ખાને કહ્યું છે કે તે સૌથી પહેલા તો એવી સ્પષ્ટતા કરવા માંગે છે કે, તે અને તેની પત્નિ કિરણનો ભારત છોડવાનો કોઈ ઈરાદો નથી. ભવિષ્યમાં પણ આવી કોઈ યોજના ધરાવતા નથી.
આમિર ખાને કહ્યું છે કે, તેની નારાજગી બાદ તે હવે આ ખુલાસો કરી રહ્યો છે. તેના ઈન્ટરવ્યુને ખોટી રીતે રજુ કરવામાં આવ્યો છે. ભારતમાં રહેવા બદલ તે ગર્વ અનુભવ કરે છે. ભારતને તે પ્રેમ કરે છે. ભારત સાથે જ તે જોડાયેલો છે. ઈન્ટરવ્યુમાં જે કંઈપણ વાત કરી છે તે બાબત પર તે કાયમ છે. તેને રાષ્ટ્રવિરોધી ગણાવી રહેલા લોકોને તે કહેવા માંગે છે કે ભારતીય હોવાનું તેને ગર્વ છે. આના માટે કોઈની પરવાનગીની અથવા કોઈ જાહેરાતની તેને જરૂર નથી. બીજીબાજુ તેની સાથે રહેલા લોકોનો આમિરે આભાર માન્યો છે.
ભારત દેશની આ જ વિશેષતા રહેલી છે. અમે અખંડતા, સાર્વભૌમત્વનું જતન કરીએ છીએ. અભિનેતાએ રવિન્દ્રનાથ ટાગોરની કવિતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું છે કે કોઈપણ દહેશત વગર પોતાની વાત રજુ કરવી જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે, જર્નાલિઝમ એવોર્ડમાં રામનાથ ગોઈંકા એવોર્ડ કાર્યક્રમમાં આમિર ખાને વિવાદાસ્પદ નિવેદન કરી હોબાળો મચાવ્યો હતો.

You might also like