પરમાણુ હથિયારોના મામલે ભારત પાકિસ્તાન કરતાં પાછળઃ સુરક્ષા અંગે ચિંતાજનક સ્થિતિ

તાજેતરના સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સીપરી)ના અહેવાલ અનુસાર એશિયાની ત્રણ મોટી સૈન્યશક્તિઓ ચીન, ભારત અને પાકિસ્તાને છેલ્લા એક વર્ષમાં પરમાણુ હથિયારના જખીરા (સ્ટોક)માં વધારો કર્યો છે, જે ભારતની સુરક્ષા માટે ચિંતાજનક બાબત ગણી શકાય.

એશિયાના આ ત્રણેય દેશોએ માત્ર પોતાની ન્યુક્લિઅર વેપન ડિલિવરી સિસ્ટમને પૂરી કરી નથી, પરંતુ પોતાનાં પરમાણુ હથિયારની સંખ્યા પણ વધારી છે. આ દેશો હવે ઉન્નત અને નાનાં પરમાણુ હથિયારના વિકાસ પર જોર આપી રહ્યા છે. પરમાણુ હથિયારની કુલ સંખ્યાના કેસમાં પાકિસ્તાન હજુ પણ ભારતથી આગળ છે.

સીપરીના મતે એશિયા મહાદ્વીપમાં આ ઝડપથી એવા સમય પર આવ્યા છે જ્યારે પશ્ચિમી દેશોમાં પરમાણુ હથિયારને લઇ સ્થિરતા છે. સોમવારના રોજ રજૂ કરાયેલા વાર્ષિક રિપોર્ટમાં કહ્યું છે કે ચીનનાં પરમાણુ હથિયારની સંખ્યા આ વર્ષે વધીને ૨૮૦ થઇ ગઇ છે, જે ગયા વર્ષે ૨૭૦ હતી. આપને જણાવી દઇએ કે ચીને ગયા વર્ષે પોતાની સેના પર ૨૨૮ અબજ ડોલર ખર્ચ કર્યા હતા, જે અમેરિકાના ૬૧૦ અબજ ડોલર બાદ સૌથી વધુ છે.

રિપોર્ટમાં કહ્યું છે કે બે દુશ્મન રાષ્ટ્ર ભારત અને પાકિસ્તાને ગયા વર્ષે પોતાનાં પરમાણુ હથિયારની સંખ્યામાં વધારો કર્યો છે. આ બંને દેશોએ પરમાણુ હથિયાર માટે જમીન, હવા તથા સમુદ્રમાંથી છોડાતી મિસાઇલનો વિકાસ તેજ કરી દીધો છે. ભારત અને પાકિસ્તાને છેલ્લા એક વર્ષમાં પોતાના જખીરા (સ્ટોક)માં ૧૦-૧૦ પરમાણુ હથિયાર વધારી દીધાં છે.

સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના મતે ભારત પાસે અત્યારે ૧૩૦ થી ૧૪૦ અને પાકિસ્તાન પાસે ૧૪૦ થી ૧૫૦ પરમાણુ હથિયાર છે, જોકે કોઇ પણ પરમાણુ હથિયારો મિસાઇલમાં લગાવવામાં આવતાં નથી. ઉલ્લેખનીય છે કે ભારત પહેલાં પરમાણુ હથિયારનો ઉપયોગ કરવાની નીતિનું પાલન કરે છે.

આ બધાથી ઊલટું અન્ય પરમાણુ હથિયાર સંપન્ન રાષ્ટ્રએ કાં તો વારહેડની સંખ્યા ઘટાડી છે અથવા તેમણે સ્થિર રાખી છે. અમેરિકાએ પોતાનાં પરમાણુ હથિયારોની સંખ્યા ૬૮૦૦થી ઘટાડીને ૬૪૮૦ કરી દીધી છે. આ રીતે રૂસે પણ પરમાણુ હથિયારોની સંખ્યા ઘટાડીને ૭૦૦૦થી ૬૮૫૦ કરી દીધી છે.

રિપોર્ટમાં કહ્યું છે કે આખી દુનિયાનાં નવ પરમાણુ હથિયાર સંપન્ન દેશો પાસે અત્યારે ૧૪,૪૬૫ વારહેડ છે. આ આંકડો ગયા વર્ષે ૧૪,૯૩૫ હતો તેમાંથી ૯૨ ટકા હથિયારો રશિયા અને અમેરિકા પાસે છે. તાજેતરમાં જ અમેરિકા સાથે વાતચીતના ટેબલ પર આવનાર ઉત્તર કોરિયા પાસે ૧૦ થી ૨૦ ન્યુક્લિઅર વેપન હોવાનો અંદાજ છે.

સીપરીના ગવર્નિંગ બોર્ડના ચેરમેન જેન ઇલિસન કહે છે કે પરમાણુ પ્રતિરોધક ક્ષમતા પ્રાપ્ત કરવા પ્રત્યેનું વધતું ફોકસ ખૂબ જ ચિંતાજનક ટ્રેન્ડ છે. આજે દુનિયાને પરમાણુ હથિયારો સંપન્ન રાષ્ટ્રથી પરમાણુ હથિયાર નિઃશસ્ત્રીકરણ તરફ વધવા માટે એક પ્રભાવકારી, કાયદાકીય રીતે બંધનકર્તા પ્રક્રિયાની જરૂર છે.

ભારત અંગે સીપરીએ કહ્યું કે હથિયારની ખરીદી બાબતમાં આ દેશ હજુ પણ ટોચ પર બનેલો છે. આપને જણાવી દઇએ કે ભારત રક્ષણ પાછળ ખર્ચ કરનાર દુનિયાનો પાંચમો સૌથી મોટો દેશ છે.

દરમિયાન સંરક્ષણ મંત્રાલયનાં સૂત્રોએ કહ્યું છે કે ચીન અને પાકિસ્તાનના ખતરાને જોતાં ભારત પાસે પરમાણુ પ્રતિરોધક ક્ષમતા વિકસિત કરવા સિવાય બીજો કોઇ ચારો નથી, જે વિશ્વસનીય છે અને જવાબી કાર્યવાહીમાં દુશ્મનને વ્યાપક ક્ષતિ પહોંચાડવામાં સક્ષમ હોય. તેમણે કહ્યું કે વારહેડની સંખ્યા અગત્યતા ધરાવતી નથી.

પહેલાં પરમાણુ હથિયારનો ઉપયોગ નહીં કરવાની ભારતની ઘોષણાનીતિના લીધે ભારત તેનાં હથિયારોની વિશ્વસનીયતાને સુનિશ્ચિત કરવા માગે છે. ભારતથી વિપરીત પાકિસ્તાને જાણી જોઇને પરમાણુનીતિને અસ્પષ્ટ રાખી છે. પાકિસ્તાનનો ઉદ્દેશ પરમાણુ ધમકી આપીને ભારતને કોઇ પણ પ્રકારનાં પરંપરાગત સૈન્ય પગલાં ઉઠાવવાથી રોકવાનાે છે, જ્યારે તેઓ ભારતને ઉશ્કેરતા રહ્યા છે.

પાકિસ્તાન ખુશાબ પરમાણુ પરિસરને ચીનની મદદથી વિકસિત કરી રહ્યું છે. ભારત માટે પરમાણુ હથિયાર યુદ્ધ લડવાનું માધ્યમ નથી, પરંતુ આપણને ન્યૂનતમ પરમાણુ પ્રતિરોધક ક્ષમતાની જરૂરિયાત છે, જેથી હુમલો કરવા પર દુશ્મનને ખૂબ ક્ષતિ પહોંચી શકે.

You might also like