ઇન્ટરનેટ શટ ડાઉનમાં ભારત સૌથી આગળઃ અઢી વર્ષમાં ૧પ૪ વાર બંધ કરી સર્વિસ

નવી દિલ્હી: કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ઇન્ટરનેટ સેવા બંધ કરવાની બાબતમાં ભારત સૌથી આગળ છે. પાકિસ્તાન બીજા નંબરે છે. ભારતના અલગ અલગ રાજ્યોમાં જાન્યુઆરી-ર૦૧૬થી મે, ર૦૧૮ સુધી ૧પ૪ વાર ઇન્ટરનેટ સેવા રોકવામાં આવી.

પાકિસ્તાનમાં અઢી વર્ષમાં ૧૯ વાર ડેટા સર્વિસ બંધ કરવામાં આવી. આ ઉપરાંત સિરિયા અને ઇરાકમાં આઠ-આઠ વખત ઈન્ટરનેટ સેવા બંધ કરાઇ.

ભારતમાં ઇન્ટરનેટ સેવા પર પહેલી વાર ર૦૧રમાં પ્રતિબંધ મુકાયો ત્યારે આખા વર્ષમાં માત્ર નવ કલાક ઇન્ટરનેટ બંધ રહ્યું હતું. ત્યાર બાદ ર૦૧૩માં આ આંકડો ૩૬૦ કલાક સુધી પહોંચ્યો. ર૦૧૪માં ૧૧૪ કલાક તો ર૦૧પમાં ૯૦પ કલાક બ્લોકેજ કર્યું.

બીજી તરફ ર૦૧૬-૧૭માં ઇન્ટરનેટ સેવા ક્રમશઃ ૬,૭૮૪ કલાક અને ૮,૧૪૧ કલાક બંધ રાખવામાં આવ્યું. ઇન્ટરનેટ શટ ડાઉનથી ભારતને અત્યાર સુધી ર૧,૩૩૬ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તેમાં ૧ર,૬૧પ કલાક મોબાઇલ ઇન્ટરનેટ બંધ રહેવાથી રૂ.૧૬,પ૯૦ કરોડનું નુકસાન થયું.

૩,૭૦૦ કલાક બ્રોડબેન્ડ નેટવર્ક બ્લોક થવાથી ૪,૭૮૬ કરોડ રૂપિયાનું નુકસાન થયું. નાણાંકીય વર્ષ ર૦૧૮-૧૯માં ભારતમાં સ્વચ્છ ભારત મિશનનું બજેટ રૂ.૧૭,૮૮૩ કરોડ છે. જ્યારે આયુષમાન ભારત યોજનાનું બજેટ રૂ.૩,ર૦૦ કરોડ છે.

ર૦૧રથી ર૦૧૭ સુધી ઇન્ટરનેટ સેવા બંધ રહેવાના કારણે રાજ્યોને પણ નુકસાન થયું. જમ્મુ-કાશ્મીરમાં ૬૦ વખત ઇન્ટરનેટ બંધ થતાં રૂ.ર,૯૭ર કરોડનું નુકસાન થયું. રાજસ્થાનમાં ઇન્ટરનેટ ૧૭ વખત બંધ થતાં રૂ.૬૩પ.૧પ કરોડનું નુકસાન થયું.

હરિયાણામાં ૧ર વખત અને ગુજરાતમાં ૧૦ વખત ઇન્ટરનેટ બંધ થતાં ક્રમશઃ રૂ.ર,૪૯૯ કરોડ અને રૂ.૮,૩૧૦ કરોડનું નુકસાન થયું. અરુણાચલ પ્રદેશ, ચંદીગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ, મેઘાલય અને પંજાબમાં માત્ર એક વાર જ્યારે મહારાષ્ટ્ર, મણિપુર, ઓરિસ્સા, તેલંગાણા અને ત્રિપુરામાં બે વાર ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી.

You might also like