ટી-20 વર્લ્ડકપ માટે ભારત સટ્ટાબજારમાં હોટ ફેવરિટ

અમદાવાદ: ટી-20 વર્લ્ડકપની કવોલિફાઈંગ મેચોનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સટ્ટાબજારમાં ભારત રૂ.2.20ના ભાવ સાથે વર્લ્ડકપ જીતવા માટે હોટ ફેવરિટ છે. જ્યારે સાઉથ આફિક્રાનો ભાવ રૂ. 5, ઓસ્ટ્રેલિયાનો ભાવ રૂ. 5.50 ખૂલ્યો છે. જ્યારે પાંચ ટીમના કોઈ ભાવ ખુલ્યા નથી. આજથી સાત દિવસ સુધી કવોલિફાઈંગ મેચો હોવાથી તેમાં સટ્ટો ઓછો રમાશે.. તા.15મી માર્ચથી દરેક મેચમાં કરોડો રૂપિયાનો સટ્ટો રમાશે.

સટોડિયા ટી-20 વર્લ્ડકપની મેચોમાં ટોસથી માંડીને છેલ્લા બોલ સુધી વિવિધ પ્રકારના સટ્ટા રમશે. ટી-20 વર્લ્ડકપની મેચોમાં નવા ગ્રાહકો રમવા માટે લાવે તેને કમિશનમાં અડધો ટકાનો વધારો કરી આપવામાં આવ્યો છે. એટલું જ નહીં કમિશન લેનારે સટ્ટાની નાણાં લાવવાની જવાબદારી રહેશે. સટોડિયા દ્વારા રમવામાં આવતા સટ્ટાની રકમના હિસાબ પૂરા થાય એટલે બીજા દિવસે આંગડિયા મારફતે તે રકમના હવાલા પાડવામાં આવતા હોય છે, જેમાં શહેરના ત્રણ આંગડિયા પેઢીઓની દેશભરમાં ઓફિસો આવેલી હોવાથી તેમના હવાલા પાડવામાં આવતા હોય છે, તેમાં સટોડિયાઓની ચિઠ્ઠીમાં હિસાબ રાખતા હોય છે.

ટી-20 વર્લ્ડકપની કવોલિફાઈંગ મેચોનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. સટ્ટાબજારમાં ભારત ટી-20 વર્લ્ડકપ હોટ ફેવરિટ છે. સટોડિયાઓના મતે ટી-20 વર્લ્ડકપમાં ભારત, સાઉથ આફિક્રા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ કપ જીતશે તેની ઉપર સટ્ટા લગાવ્યા છે, જોકે સટ્ટાબજારમાં ભારતનો ભાવ માત્ર રૂ.2.20 હોવાથી કપ જીતવામાં પ્રબળ દાવેદાર છે. બીજા ક્રમે સાઉથ આફિક્રા, ત્રીજાક્રમે ઓસ્ટ્રેલિયા અને ચોથા ક્રમે ન્યૂઝીલેન્ડની ટીમ ફેવરિટ છે.

દરેક મેચમાં આશરે 200 કરોડનો સટ્ટો રમાતો હોય છે. જેમાં ટોસ ઉછાળવાથી માંડીને ક્રિકેટરના સ્કોર, ટીમનો સ્કોર ઉપર પણ સટ્ટો રમતા હોય છે. આ ટી-20 મેચોમાં દરેક બોલ ઉપર ભાવ પંટરોને આપવામાં આવતા હોય છે. સામાન્ય રીતે પંટરો કોણ મેચ જીતશે તેની ઉપર અને ક્રિકેટરના સ્કોર ઉપર ભાવ લગાવતા હોય છે.

You might also like